ભાવનગર : ભાવનગર શહેરમાં આવેલા સેન્ટ્રલ સોલ્ટમાં સાફ-સફાઈ કરવા માટે સેફટી ટેન્કમાં ઉતરતા બેને ગેસ ગળતર થતા એકનું મોત થયું છે. પરિવાર દ્વારા દિવાળીના સમયે જ બનેલી ઘટનાને લઈને શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક મહાનગરપાલિકાના વિભાગના સફાઈ કર્મચારી છે. મહાનગરપાલિકા સમગ્ર ઘટનાને લઈને મૃતક બચાવવા ગયો હોવાનું જણાવી રહી છે. પરિવારના એકનો એક કમાતો શખ્સનું મૃત્યુ થતા માંગો મૂકી ન્યાયની માંગણી કરી છે. મૃતદેહ નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે.
CSMCRIમાં સેફટી ટેન્કમાં ઉતરતા એકનું મોત : દિવાળી પર્વ ચાલી રહ્યું છે, ત્યારે ભાવનગરના વાઘાવાડી રોડ ઉપર આવેલા આવેલી CSMCRI સંસ્થાના પટાંગણમાં રહેલી ડ્રેનેજની સેફટી ટેન્કને સાફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.સીએસએમસીઆરઆઈના સફાઈ કામદાર સુરેશભાઈ ગોરડીયા સેફટી ટેન્કમાં ઉતર્યા હતા. આ સમયે મહાનગરપાલિકાની જેટીંગ ટીમને પણ બોલાવવામાં આવી હતી. સુરેશભાઈને સેફટી ટેન્કમાં ગેસની અસર થતા મહાનગરપાલિકાની આવેલી ટીમના સભ્ય અને સફાઈ કામદાર રાજેશ પરસોતમભાઈ વેગડ તેને બચાવવા માટે સેફટી ટેન્કમાં ઉતર્યા હતાં. જ્યાં તેમને ગેસ ગળતરની અસર થઈ હતી. આથી રાજેશભાઈ અને સુરેશભાઈ બંનેને તાત્કાલિક ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હોવાનું ફાયર વિભાગના અધિકારી પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
કમિશનર દોડી ગયા હોસ્પિટલ : સીએસએમસીઆરઆઈમાં બંને સફાઈ કામદારને ગેસ ગળતર થતા સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સફાઈ કામદાર સંઘથી લઈને મૃતક રાજેશભાઈ વેગડના પરિવાર પહોંચી ગયો હતો. સરકારના નિયમ પ્રમાણે કોઈપણ ગટરમાં સફાઈ કામદારને નહીં ઉતારવાનો નિયમ હોય ત્યારે રાજેશભાઈ વેગડ કઈ રીતે સેફટી ટેન્કમાં ઉતર્યા તેઓ પ્રશ્ન પરિવારે કર્યો હતો. મામલાને લઇને કમિશનર દોડી આવ્યાં હતાં.