કેનાલ બન્યાના 29 વર્ષ બાદ પણ પાણી ન મળ્યું ભાવનગરઃ મહુવા તાલુકામાં શેત્રુંજ્ય સિંચાઈ યોજના વિભાગે 29 વર્ષ પહેલા 35 ફિટ ઊંડી કેનાલનું નિર્માણ કર્યુ હતું. જો કે આ કેનાલમાં 29 વર્ષ બાદ પણ પાણી મળ્યું નથી. તેથી ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે. ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવામાં આવે નહિતર જમીન પરત કરવામાં આવે તેવી માંગણી સિંચાઈ વિભાગને કરી છે.
29 વર્ષ બાદ પાણી નહીંઃ ભાવનગરનો મહુવા તાલુકો ડુંગળી પકવવામાં મોખરે છે. આ તાલુકામાં શેત્રુંજય સિંચાઈ વિભાગ દ્વારા 1994માં એટલે કે 29 વર્ષ પહેલા નર્મદા કેનાલ જેટલી વિશાળ કેનાલ બનાવવામાં આવી હતી. જેનો લાભ મહુવા ઉપરાંત સથરા, વાલાવાવ, તરેડી, ભાદરોડ, વડલી વગેરે ગામોના ખેડૂતોને થવાનો હતો. જો કે જમીન સંપાદન વખતે જ ખેડૂતોએ પાણી નહી મળે તેવો સૂર ઉચ્ચાર્યો હતો. ખેડૂતોએ વિરોધ પણ કર્યો હતો. જો કે ત્યારબાદ સમજાવટથી ખેડૂતોની સંમતિથી જમીન સંપાદન કરીને કેનાલ બનાવવામાં આવી. જો કે 29 વર્ષ બાદ પણ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું જ નથી.
22 ખેડૂતોને નથી મળ્યું જમીન વળતરઃ મહુવાના તરેડી ગામના 22 જેટલા ખેડૂતોને જમીન સંપાદનનું વળતર પણ મળ્યું નથી. આ કેનાલ અત્યારે અવાવર સ્થિતિમાં છે. જંગલી પશુઓ તેમાં રહે છે. આ વિશાળ કેનાલને લીધે ખેડૂતોને ખેતર સુધી પહોંચવા 1થી 2 કિલોમીટર જેટલું ચાલવું પડે છે. તેથી ખેડૂતો હવે આકરા બન્યા છે. તેમણે કેનાલમાં પાણી અથવા કેનાલમાં ગયેલ જમીન પરત કરવા સિંચાઈ વિભાગ પાસે માંગણી કરી છે.
1994માં પાણી આપવાની શરતે જમીન સંપાદન થયા બાદ આજે 29 વર્ષથી એક ટીપું પાણી આ કેનાલમાં આવ્યું નથી. કેનાલમાં જંગલી જાનવરો રહે છે. કેનાલને લીધે ખેડૂતોને એકથી બે કિલોમીટર ફરીને પોતાના ખેતરમાં જવું પડે છે. સિંચાઈ વિભાગ પાણી ન આપે તો અમારી જમીન અમને પરત આપી દે...ભરતસિંહ વાળા(ખેડૂત આગેવાન, ભાવનગર)
તાજેતરમાં મહુવા તાલુકાના રહેતા ખેડૂતો દ્વારા 29 વર્ષ થયા છતાંય કેનાલમાં પાણી ન મળ્યું હોવાથી પાણી છોડવામાં આવે અથવા તેમની જમીન પરત કરવામાં આવે તેવું આવેદન આપવામાં આવ્યું હતું. અત્યારે અમે આવેદનમાં દર્શાવેલા સ્થળની તપાસ કરી રહ્યા છીએ. સરકાર સાથે પણ આ મુદ્દે પરામર્શ કરવામાં આવશે...એમ. એમ. બધેલિયા(સિંચાઈ અધિકારી, ભાવનગર)
- 40 વર્ષ બાદ કરજણ ડેમનું પાણી કેનલમાં આવ્યું, 625 ક્યુસેક પાણી છોડાયું
- પાટણ ન્યૂઝ: સિંચાઈ માટે પાણી આપો, ખાલીખમ કેનાલોમાં ઉતરીને ખેડૂતોએ કરી પાણી છોડવાની માંગ