ભાવનગર જિલ્લામાં સરકાર દ્વારા ઉનાળાનાં દિવસોમાં ખેતી, પશુપાલકો તેમજ લોકોને પીવાના પાણીની સમસ્યા વેઠવી ન પડે તે માટે 355 ચેકડેમ બંધાવવામાં આવ્યા હતા. ત્યારે જિલ્લા ભરના ચેકડેમની વાત કરવામાં આવે તો ભાવનગર ગ્રામ્યમાં-25, ઘોઘા-25, તળાજા-35, ઉમરાળા-32, પાલીતાણા-64, મહુવા-51, શિહોર-59, ગારીયાધાર-30, જેસર-56, વલ્લભીપુર-8 ચેકડોમ મળી કુલ 355 ચેકડેમ બનાવવામાં આવ્યા છે. જેમાંથી હાલ 95 જેટલા ચેકડેમની હાલત અતિજર્જરિત થઈ ગઈ છે. આ ચેકડેમ અંદાજે 13 થી 14 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા છે. ત્યારથી અત્યાર સુધી આ ચેકડેમની સારસંભાળ કે દરકાર સરકાર દ્વારા લેવામાં આવી નથી. જર્જરીત ચેકડેમમાં ઉમરાળાના-39, વલ્લભીપુરના-17, ઘોઘાના-5, પાલીતાણાના-7, ગારીયાધારના-3, તળાજાના-3, શિહોરના-15 અને ભાવનગર ગ્રામ્યના-6 ચેકડોમનો સમાવેશ થાય છે.
દર વર્ષે ચોમાસા પહેલા સરકાર દ્વારા પ્રી-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. જેમાં સરકાર દ્વારા વરસાદી સીઝન દરમિયાન વરસાદનાં પાણીનો સંગ્રહ કરી ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ જે ચેકડેમ બનાવવામાં આવેલા તે ડેમની દરકાર ન લેવામાં આવતા ચેકડેમ તૂટેલી હાલતમાં થઇ જવાના કારણે વરસાદી પાણીનો સંગ્રહ કરવો અશક્ય દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ સરકારી અધિકારીઓ મોટા મોટા બણગાં ફૂંકી રહ્યા છે કે, તૂટેલા ચેકડેમને સુજલામ સુફલામ યોજના અંતર્ગત રીપેર કરવામાં આવી રહ્યા છે.