- ભરૂચના દાંડિયા બજારમાં 2 પુત્રો અને માતાને કરંટ લાગ્યો, 1 પુત્રનું મોત
- માતાને કરંટ લાગતા પુત્રો છોડાવવા ગયા હતા
- માતા કપડા સૂકવવા જતા બની ઘટના
ભરૂચ: જિલ્લાનાં દાંડિયા બજાર વિસ્તારમાં લોઢવાડનાં ટેકરા નીચે નદીકિનારે ઝૂંપડપટ્ટીમાં વહેલી સવારે એક જ પરિવારના ત્રણ લોકોને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. કપડાં સૂકવવા ગયેલી માતાને કરંટ લાગતા તેને બચાવવા ગયેલા બે પુત્રોને પણ કરંટ લાગ્યો હતો. દુર્ઘટનામાં એક યુવાન પુત્રનું મોત થયુ હતું.
આ પણ વાંચો :ઊંઝાના કામલી ગામે વીજ કરંટ લાગતાં ખેડૂતનું મોત
માતાને બચાવવા જતા બે પુત્રોને પણ લાગ્યો કરંટ
ભરૂચ લોઢવાડના ટેકરા નીચે નદી કિનારાની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડ પરિવારની મહિલા મંજુબેન ઉદયસંગ ઓડ વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ કપડાં સૂકવવા જતા તેમને કરંટ લાગ્યો હતો. માતાને કરંટ લાગતા તેના બે પુત્રો ભરત અને અર્જુન બચાવવા જતા બન્નેને પણ કરંટ લાગ્યો હતો. અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ ગયો હતો અને તેને વધુ વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. માતા અને ભાઈને વીજ કરંટથી બચાવવા જતા અર્જુન ઓડે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
આ પણ વાંચો :વલસાડઃ પારડીના ડુમલાવ ગામે પિતા-પુત્રીને વીજ કરંટ લાગતાં પિતાનું મોત
ઘરના પતરાને અડીને જ વીજ લાઈન પસાર થાય છે
ઓડ પરિવારના ઘરના પતરાંને અડીને ઘરની વીજ લાઈનનો વાયર છે. જેનો કરંટ પતરાંમાં ઉતરતો હતો. કપડાં સુકવવાનો તાર ઘરના પતરા માટે લગાવેલાં ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો. જેને લઈ કપડાં સુકવવાના તારમાં પણ કરંટ ઉતરતો હતો. જેના કારણે દુર્ઘટના બની હતી. આ બનાવના પગલે A ડિવિઝન પોલીસે મૃતક અર્જુન ઓડનાં મૃતદેહનો કબજો મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસર તપાસ હાથ ધરી છે.