Bharuch Crime: પત્રકારની ઓળખ આપીને 2 લાખની માંગ કરી, તપાસ કરતા નકલી નીકળ્યા ભરૂચ/અંકલેશ્વરઃઅંકલેશ્વર જીઆઇડીસીમાં કંપનીના માલીકને લાયસન્સનું કહીને પૈસા ખંખેરતી ટોળકી પોતાને પત્રકાર ગણાવતી હતી. જેની પોલીસ ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. એક મહિલા સહીત 4 શખ્સો એ પત્રકારની ઓળખ આપી કંપનીના જુદા જુદા કન્સલન્ટની વિગત પૂછી હતી. જુદી જુદી ગવર્મેન્ટ એજન્સી પાસે દરોડા પડાવી દેવા ધમકી આપી રૂપિયા બે લાખની માંગણી કરી હતી. આ ટોળકીએ કેટલી કંપનીઓમાં તોડ કરેલ છે તેની તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
નકલી પત્રકારો ઝડપાયાઃપોલીસ સુત્રમાંથી માહિતી અનુસાર મૂળ બોટાદના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં રહેતા કિશોર ઉર્ફે અલ્પેશભાઈ પટેલ હરિહર કેમિકલ્સના નામે છેલ્લા વીસ વર્ષથી કંપની ચલાવે છે. તેઓ કંપની પર હાજર હતા. તે દરમિયાન સાંજે એક મહિલા અને તેની સાથે બીજા ત્રણ ઈસમો કંપની પર આવ્યા હતા. આ ગેંગે પોતે પત્રકાર હોવાનો ફોડ પાડ્યો હતો. દરોડા પાડવાની ધમકી ઉચ્ચારી હતી.
ગેરકાયદે હોવાની વાત:કંપની માલિકને કહ્યું હતું કે, અગાઉ કંપની પર અને બાજુમાં આવેલ કંપનીમાં સરકારી એજન્સીની દરોડા પડયા હતા. જેનાં અનુસંધાને અમે આવ્યા છીએ. તમારી પાસે આ પેટ્રોકેમીકલ્સ નો સ્ટોર કરવાનો લાયસન્સ નથી. તેમ છતાં તમે આ પેટ્રોકેમીકલ્સનો વેપાર કરો છો. તમે આ બધુ ગેરકાયદેસર કરો છો. મારી પાસે તેના ફોટા, વિડીયો છે. મહિલા એ અગાઉ જ રેઇડ કરાવી હતી. હવે અત્યારે તમારે શું કરવું છે તેમ પૂછતા કંપની માલિકે લઈ-દઈ પતાવટ કરવા માટે જણાવ્યું હતુ.
રૂપિયા 2 લાખની માંગઃમહિલાએ બાજુમાં જે કંપની ચલાવે છે તે મિતુલભાઈને પણ બોલાવડાવી બન્ને ઉધોગકારોને ભેગા મળીને રૂપિયા 2 લાખ આપી મેટર પતાવી દેવા કહેતા જ મિતુલભાઈ એ અંકલેશ્વર એસોસિએશનનાં પ્રમુખ જશુભાઈ ચૌધરી બોલાવી લીધા હતા. તેઓએ આ પત્રકારના નામે આવેલ ઈસમો પાસે ઓળખકાર્ડ માંગતા તેઓએ ઓળખપત્ર બતાવ્યુ ન હતુ.
ધરપકડ થઈઃ જેથી ઉદ્યોગપતિએ પોલીસને બોલાવી તોડ કરવા આવેલ અંકલેશ્વર ની સુનીતા સુરેશભાઈ પટેલ, ભરત દિનેશભાઈ મિસ્ત્રી, વિનોદ નાથુભાઈ જાદવ અને મહેન્દ્ર ગોવિંદભાઈ વસાવા સામે બે લાખની ખંડણી અને ધંધો બંધ કરાવી દેવાની ધમકીનો ગુનો નોંધી ચારેયની ધરપકડ કરાઈ હતી.જ્યારે મહિલાએ કોરોના કાળમાં પણ પોતાના મળતીયાઓ સાથે મળી તોડકાંડ કર્યા હોવાની વિગતો બહાર આવી હતી અને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે સુનિતા પટેલ સહિત અન્ય સાગરીતો સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો.
- Ahmedabad Fake Police : રોફ જમાવી લોકો પાસેથી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
- Fake Notes Scam: 'ફર્ઝી'નું અમલીકરણ? નકલી નોટ બનાવાનું કૌભાંડ ઝડપાયું, 4ની ધરપકડ
- Fake PMO Kiran Patel Case : રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં માટે કિરણ પટેલ સામે નોંધાઈ શકે આ ગંભીર ગુનો