આ શાળામાં બાળકોને શિક્ષણ ઉપરાંત કુદરતી સ્ત્રોતની મદદથી સારું અને સ્વસ્થ જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્ઞાન પણ આપવામાં આવે છે. સરકારી શાળાનો ઉલ્લેખ થાય એટલે લાલિયાવાળી, બાળકોની પાંખી હાજરી અને શિક્ષણના નીચા સ્તરનો ઉલ્લેખ થાય, પરંતુ આ શાળાએ પોતાની અલાયદી શિક્ષણ પદ્ધતિથી આખાદેશના શિક્ષણવિદોનું પોતાના તરફ ધ્યાન ખેંચ્યું છે. ખંભાતના અખાતના કાંઠે આવેલી આંકલવા પ્રાથમિક શાળા ખારપટની જમીન ઉપર બનેલી ગ્રીન શાળા છે. જે જમીન ઉપર માત્ર બાવળ સિવાય કંઈ પણ ઉગી શકતું નથી ત્યાં યુવાન શિક્ષક હિરેન પટેલે 12 વર્ષની જહેમતથી બાગ બગીચા અને હરિયાળું વાતાવરણ સર્જ્યું છે.
શાળામાં માત્ર હરિયાળી જ નહીં, સાથે જ કુદરતી સ્ત્રોતનું મહત્વ અને ઉપયો કરીને બાળકો જાણી શકે તે માટે અલાયદા પ્રોજેક્ટ પણ તૈયાર કરાયા છે, જેના કારણે શાળામાં બાળકોની દરેક વર્ગમાં 100 ટકા હાજરી જોવા મળે છે. શાળાથી બાળકોને એટલો લગાવ છે કે બાળકો અભ્યાસના સમયથી વહેલા શાળામાં પહોંચી જાય છે. શાળામાં બાળકોના અલગ અલગ જૂથ બનાવાયા છે જે મુજબ દરેક ટીમ વેસ્ટ મેજેમેન્ટ , વોટર મેનેજમેન્ટ, ગ્રેનરી મેનેજમેન્ટ , ફાર્મિંગ , પક્ષીઓની શાળા સંકુલમાં સારી સંખ્યા રહે તેવા વાતાવરણનું નિર્માણ જેવા પ્રોજેક્ટમાં પોતાને સોંપાયેલી કામગીરીમાં લાગી જાય છે.