પોલીસ માટે વાર તહેવાર, નેતાઓની હાજરી અને ચૂંટણીઓ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની ડયુટી ચાલુ રહે છે. સેંકડો પોલીસકર્મીઓ માટે ડયુટીની ફાળવણીનું મોટું આયોજન, સમય અને શક્તિ ત્રણેય માંગે છે. પરંતુ સમસ્યાનો હલ કરવા ભરૂચ પોલીસે એક એવું સોફ્ટવેર તૈયાર કર્યું છે, જે પોલીસકર્મીને મેસેજ દ્વારા બંદોબસ્તની જગ્યા અને ત્યાં સુધીનો રૂટ બતાવે છે.
ભરૂચમાં પોલીસનું ઈ બંદોબસ્ત સોફ્ટવેર થયું રોશન, મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ VIPની હાજરી કાર્યક્રમમાં માત્ર એક-બે કલાક હોય છે, પણ આ કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થાની કવાયત બે દિવસ અગાઉથી ચાલુ થઈ જાય છે. સેંકડો પોલીસકર્મીઓને પોઇન્ટની ફાળવણી, સુપરવિઝન અધિકારીનું નામ અને સંપર્કની વિગતો તેમજ ફાળવાયેલ પોઇન્ટનું લોકેશન જણાવવું વિભાગ માટે અને તે લોકેશન શોધી ડયુટી બજાવવી પોલીસ કર્મી માટે પડકાર સમાન બની જાય છે.
સમસ્યા હલ કરવા ભરૂચ પોલીસે ઈ બંદોબસ્ત નામનું સોફ્ટવેર તૈયાર કર્યું છે. જે તમામ પ્રશ્નોનો હલ એક ક્લિકથી આપે છે. સોફ્ટવેરનું ઓપરેટિંગ એલ. આઈ. બી શાખામાંથી કરવામાં આવે છે. કાર્યક્રમ કે ઘટનાને અનુલક્ષી અધિકારીઓ દ્વારા ભરૂચના અલગ અલગ ડિવિઝન જિલ્લા કે અન્ય જિલ્લાના પોલીસકર્મીઓનો બંદોબસ્ત ફાળવે છે. આ પોલીસકર્મીઓની વિગત અગાઉથી સોફ્ટવેરમાં એન્ટર કરેલી હોય છે.
સુરક્ષા વ્યવસ્થાના દાયરાઓ અનુસાર પોલીસકર્મીઓને સોફ્ટવેર પોઇન્ટની ફાળવણી કરે છે. ફાળવણી સોફ્ટવેર કરતુ હોવાથી બંદોબસ્ત અચૂક ગોઠવાય છે. પોલીસકર્મીઓને પણ મેસેજ દ્વારા માહિતી તરત મળી જાય છે, જેના કારણે રોલકોલમાં લાંબો સમય વારો આવે ત્યાં સુધી રાહ જોવી પડતી નથી. આ સોફ્ટવેર એકયુરેસિ સાથે સમય પણ બચાવે છે.
ભરૂચ પોલીસના આ સોફ્ટવેરને સ્કોચ ઓર્ડર સંસ્થા દ્વારા દિલ્હી ખાતે સ્કોચ ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ 2019 એનાયત કરવામાં આવ્યો છે. જેનાથી પોલીસની કામગીરીમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે.