ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના ખેડૂતો કેરી, પરવળ સહિતના પાકોનું વાવેતર કરતાં આવ્યાં છે. ખાસ કરીને ઉનાળામાં અંકલેશ્વર તાલુકાની કેરીઓની દેશ તથા વિદેશમાં નિકાસ પણ થતી હોય છે. ચાલુ વર્ષે કોરોના વાઇરસના કહેરના કારણે બે મહિનાથી લોકડાઉન ચાલી રહયું છે.
કોરોનાના વાઇરસમાં કેરીનો પાક ન વેચાયો, હવે ભારે પવન વાળશે દાટ - ભરૂચ
કોરોના વાઇરસના કારણે ખેતપેદાશોના વેચાણની ચિંતા દુર થઇ નથી, તેવામાં વાવાઝોડા બાદ ફૂંકાયેલ ભારે પવને ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે.
લોકડાઉનના કારણે ખેડૂતો તેમની ખેત પેદાશોનું વેચાણ કરી શકયાં ન હતાં. ખેત પેદાશો નહિ વેચાતા ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. કોરોના કહેરમાંથી ખેડૂતો ઉગરે તે પહેલાં હવે વાવાઝોડા બાદ ફૂંકાયેલ ભારે પવનના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોચે એવી શક્યતા જોવામાં આવી રહી છે. કેરીનું વાવેતર કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં કેરીનો પાક વેચાયો નથી, તેવામાં ભારે પવનના કારણે હવે આંબાઓ પરથી કેરીઓ ખરી જવાનો ભય સતાવી રહયો છે.
અંકલેશ્વર તાલુકામાં શાકભાજીમાં પરવળ સહિતના પાક વાવવામાં આવે છે, પરવળના પાકના વેલા માટે લાકડામાંથી મંડપ તૈયાર કરવો પડતો હોય છે. જો કે આ મંડપ પણ ભારે પવમાં ધરાશાયી થઇ જતા ખેડૂતોને નુકશાન થયું છે.