ભરૂચઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા જાહેર કરવામાં આવેલા લોકડાઉનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે પરંતુ કોઈ પણ સ્થિતિની બે બાજુઓ હોય છે એવી જ લોકડાઉનની પણ બીજી બાજુ સામે આવી છે. જે કદાચ બધા લોકોને નહીં સમજાય. લોકડાઉનના પગલે વેપાર રોજગાર ઠપ્પ છે ત્યારે ગરીબ અને શ્રમજીવી વર્ગને બે ટાઈમ જમવાનુ પણ નસીબ થતું નથી. લોકડાઉન લંબાવાથી સામાજીક સંસ્થાઓની સમાજ સેવા પણ બંધ થવા લાગી છે. ત્યારે ગરીબ વર્ગની હાલત અત્યંત કફોડી બની ગઈ છે.
ભરૂચમાં લોકડાઉનની ભયાનક તસ્વીર, રસ્તા પર પડેલા ચણા ખાવા મજબૂર ગરીબ
વૈશ્વિક મહામારી કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેથી જે વિસ્તારમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે આવા વિસ્તારોમાં સંક્રમણ કાબુમાં આવી રહ્યુ છે પરંતુ લોકડાઉનમાં શ્રમિકોના રોજગાર ધંધા બંધ થવાથી લોકડાઉનની વિપરીત તસ્વીરો પણ સામે આવી રહી છે. આવી જ એક હ્દયદ્રાવક તસ્વીરમાં ભરૂચ શહેરના પાંચબત્તી નજીક એક ગરીબ વ્યક્તિ રસ્તા પર પડેલા ચણા ખાતો જોવા મળ્યો હતો.
ભરૂચમાં લોકડાઉનની ભયાનક તસ્વીર જોવા મળી હતી. શહેરના પાંચબત્તી નજીક એક ગરીબ વ્યક્તિ રસ્તા પર પડેલા ચણા ખાતો જોવા મળ્યો હતો. આ ગરીબ વ્યક્તિ માટે શું કોરોના વાઈરસનું સંક્રમણ, શું લોકડાઉન, શું માસ્ક, શું સેનેટાઇઝર અને શું સોશ્યલ ડિસ્ટન્સ. એના માટે ફક્ત ભુખ સંતોષવા મુઠ્ઠીભર અનાજ જોઈએ અને એ જોવા મળે પછી ભલે એ અનાજ રસ્તે પડ્યું હોય કે ચાંદીની થાળીમાં સજાવ્યું હોય, ગરીબ મણસને તો બસ પેટમાં થોડો સંતોષ થવો જોઈએ.
લોકડાઉનની એક આ પણ તસ્વીર છે જે આપણે ભૂલવું ન જોઈએ અને આવા અનેક લોકો પરિવારોના પેટ ઠરે એવા પ્રયત્નો કરવા જોઈએ.