દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ્રના દરિયાઈ માર્ગને જોડનાર મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ 27 ઓક્ટોબર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ કરવામાં આવી હતી. આ સર્વિસ દ્વારા 360 કિલોમીટરની આઠ કલાકની મુસાફરી માત્ર 31 કિલોમીટરમાં બે કલાકથી ઓછા સમયમાં કરી શકાતી હતી. જો કે, 10 મહિના સુધી આ સેવા વ્યવસ્થિત ચાલી અને ત્યાર બાદ અનેક અડચણો આવ્યા હતા અને દોઢ વર્ષમાં આ રો-રો ફેરીની સર્વિસ બીજીવાર ઠપ થઈ છે.
ગુજરાતની શાન ગણાતી રો રો ફેરી સર્વિસનું બાળ મરણ થાય એવી શક્યતા દહેજ કિનારાના દરિયામાં પાણીની ઉંડાઈના અભાવે કાદવયુક્ત પાણી આવી જતા ફેરીને અવરોધ ઉભો થયો હતો જેને લઇને જહાજને કિનારા સુધી લાવવું મુશ્કેલ બની ગયું હતું. આગળ જતા આ દરેક અવરોધ સતત ચાલતા આવ્યા છે જેથી કંપનીએ આખરે આ જહાજને વેચવા મૂક્યું છે. રો-રો ફેરી ચલાવનાર કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે, રો-રો ફેરીને આશરે 5 મીટરના પાણીના ડ્રાફ્ટની જરૂરિયાત હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પ્રમાણે સુવિધા મળી રહી ન હતી. ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ડ્રેજીંગની કામગીરી વ્યવસ્થિત નહીં કરાતા સપ્ટેમ્બર માસથી આ સેવા બંધ હાલતમાં છે, જેના કારણે સંચાલક કંપનીને દર મહીને રૂપિયા 18 લાખની ખોટ સહન કરવાનો વારો આવ્યો છે અને અત્યાર સુધીમાં કંપનીને આશરે 40 કરોડનું નુકસાન થઈ ચૂક્યું છે.
સપ્ટેમ્બરમાં રો-રો ફેરી બંધ થતા 14 ઓક્ટોબરથી ડ્રેજીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે ક્યાં સુધી ચાલશે અને ક્યારે પૂર્ણ થશે તે ગુજરાત મેરી ટાઈમ બોર્ડ અને સરકાર દ્વારા કંપનીને અત્યાર સુધી જણાવવામાં આવ્યું નથી. અત્યાર સુધી આશરે સાતથી આઠ વખત આ અંગે કંપનીએ સામેથી સંબંધિત વિભાગનો કોન્ટેક્ટ કર્યો છે તેમ છતાં પણ યોગ્ય જવાબ મળતો ન હતો. આવી અનેક વિપરીત પરિસ્થિતિના કારણે કંપની દ્વારા ફેરી સર્વિસનું જહાજ વેચવા કાઢ્યું છે, જેના કારણે આ સેવા પર કાયમ માટે બ્રેક લાગી જાય તેવી શક્યતા છે. જો કે કંપની પાસે અન્ય એક જહાજ ઉપલબ્ધ્ધ છે. જેમાં મુસાફરો સાથે વાહનો અને સામાનની પણ હેરાફેરી કરી શકાય છે. જેને સર્વિસમાં લેવાશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા કંપની દ્વારા કરવામાં આવી નથી. ચેમ્બર ઓફ કોમર્સે અઢી માસથી બંધ વેસલ જહાજ શરુ કરવા માંગ કરી છે.
આ પ્રોજેક્ટને શરુ કરાવતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતને આ અમૂલ્ય ભેટ ગણાવી હતી અને દક્ષિણ એશિયામાં સૌથી મોટા પ્રોજેકટ તરીકે ગણાવ્યો હતો. ત્યારબાદ આ શિપમાં તેમણે ઘોઘાથી દહેજની જળ મુસાફરી પણ ખેડી હતી, પરંતુ એક વખત ઉદ્ઘાટન કરાયા બાદ આ પ્રોજેક્ટને અનેક મુશ્કેલીઓ આવી છે. આમ રાજ્ય સરકાર માટે આ મહત્ત્વનો પ્રોજેક્ટ હોવા છતાં આ સેવા બંધ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવેલી અવગણના જ્યારે બીજી તરફ દરિયાની પ્રતિકુળ પરિસ્થિતિને કારણે રો-રો ફેરી સર્વિસની હાલત કફોડી બની ગઈ છે.