ભરૂચ: સિવિલ હોસ્પિટલમાં ગત રાત્રીના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં થ્રી ઈડીયટસ ફિલ્મમાં અભિનેતા આમિર ખાન તેના મિત્રના બિમાર પિતાને લઇ મોપેડ સાથે હોસ્પિટલમાં પ્રવેશે છે, તેવી જ રીતે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટર બહાર એક મોપેડ દર્દી સાથે દેખાયું હતું. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. આ અંગે તપાસ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં થ્રી ઈડિયટસ ફિલ્મી જેવા દ્રશ્યો જોવા મળ્યા
ભરૂચની સિવિલ હોસ્પિટલનાં ટ્રોમાં સેન્ટરમાં થ્રી ઈડિયટસ ફિલ્મના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક યુવાન દર્દીને બેસાડી એકટીવા લઇ ટ્રોમા સેન્ટરમાં ઘુસી ગયો હતો અને દર્દીને તાત્કાલિક સારવાર અપાવવાનો પ્રયાસ કર્યો હતો.
જુના ભરૂચમાં આવેલા જમિયતરામની ખડકીમાં રહેતા 60 વર્ષીય કિરીટભાઈ પરીખને છાતીમાં દુખાવો થયો હતો. જુના ભરૂચમાં સાંકડી ગલીનાં કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી શકે તેવી સ્થિતિ ન હોય માટે સ્થાનિક યુવાનો હિરેન શાહ વૃદ્ધને તેમની એકટીવા પર બેસાડી સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા હતા અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે મોપેડને ટ્રોમા સેન્ટર સુધી લઇ ગયા હતા. યુવાનો દ્વારા વૃદ્ધને તાત્કાલિક સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
આ દ્રશ્યો ભલે ફિલ્મી લાગતા હોય, પરંતુ કોઈ વ્યક્તિનો જીવ બચાવવા યુવાનોએ મોપેડ પર દર્દીને લઇ જવાની બતાવેલી સાહસિકતા ખરેખર દાદ માગી લે તેવી છે. તો બીજી તરફ તંત્રએ આ દ્રશ્યો પરથી બોધ લેવો જોઈએ કે, જુના ભરૂચ વિસ્તારના સાંકડા રસ્તાઓને એમ્બ્યુલન્સ જઈ શકે એટલા તો પહોળા કરવા જોઈએ. જેથી કરીને ફરી આવા કોઇ દ્રશ્યો વારંવાર ન જોવા મળે.