ભરૂચ: શહેરના અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને ઝઘડીયા પંથકમાં રાત્રીના સમયે મધ્યરાત્રીએ કમોસમી વરસાદ ખાબકતા ઘઉં અને જુવારનો પાક ધોવાઈ ગયો હતો જેને પગલે ખેડૂતોએ મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
ભરુચમાં કમોસમી વરસાદ, ખેડૂતોના પાકને નુકશાન - ભરુચ ન્યુઝ
ભરૂચના અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને ઝઘડીયા પંથકમાં રાત્રીના સમયે કમોસમી વરસાદ અને માવઠાનાં કારણે ઘઉં , તુવેર અને કેરીનો પાક ધોવાયો હતો. જેને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
કોરોના વાયરસનો હાલ કહેર ચાલી રહ્યો છે ત્યારે કુદરત પણ અલગ જ મિજાજમાં જોવા મળી રહી છે. કોરોના વાયરસના કહેર વચ્ચે કુદરતનો બીજો માર પડ્યો હતો. ભરૂચના અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને ઝઘડીયા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો .
જો કે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજી તરફ ધરતીનો તાત ચિંતાતુર બન્યો હતો. આકાશમાંથી વરસેલ અણધારી આફતનાં પગલે ઘઉં , તુવેર અને કેરીનો પાક ધોવાયો હતો. ગત ચોમાસામાં ભારે વરસાદ,શિયાળામાં માવઠું અને ઉનાળામાં પણ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન પહોચ્યું છે ત્યારે ખેડતોએ મોટો આર્થિક ફટકો સહન કરવાનો વારો આવ્યો છે અને તેઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.