રક્ષાબંધનના તહેવારની બહેનો ઉત્કંઠાપૂર્વક રાહ જુએ છે. ઉત્સાહથી રાખડીઓ ખરીદે છે. ભાઈ પાસે રક્ષણનું વચન માગે છે. જે સમયે બહેનના મનમાં ભાઈને સુંદર રક્ષાપોટલી બાંધવાના સપનાં આકાર પામતા હશે બરાબર એ જ સમયે ભાઈના મનમાં બહેનનું કાસળ કાઢવાનુ કાવતરુ રચાતુ હતું. માત્ર વહેમના કારણે એક યુવતીને તેના ભાઈ તરફથી રક્ષા તો ન જ મળી ઉલ્ટાનું ભાઈના ગુસ્સાનો શિકાર બનવું પડ્યુ. ગુસ્સો એટલી હદે કે, ભાઈએ તેની જ સગી બહેનને મોતને ઘાટ ઉતારી દીધી.
આ ઘટનાની હકીકત એવી છે કે, થોડા દિવસ પહેલા ઝઘડિયા તાલુકાના દધેડા ગામની સીમમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ઝઘડિયા પોલીસે પોસ્ટ મોર્ટમ કરાવી તપાસ બનાવની તલસ્પર્શી તપાસ શરુ કરી હતી પોલીસ તપાસમાં મૃતદેહ પાસે પોલીસને મોબાઈલ મળી આવ્યો હતો. આ મોબાઈલથી પોલીસની તપાસને દીશા મળી અને પોલીસ હત્યારા સુધી પહોંચી શકી. કોલ ડીટેઈલના આધારે પોલીસે પહેલા મરનારની ઓળખ કરી. પોલીસ તપાસમાં ખુલ્યુ કે જે યુવતીની હત્યા થઈ તેનું નામ મોની પાલ હતુ અને તે ઉત્તરપ્રદેશના સુલતાનપૂર જિલ્લાની હતી. થોડા દિવસ અગાઉ તે સુરતના કીમમાં રહેતા તેના ભાઈ રાજન પાલના ઘરે આવી હતી.