ભરૂચ :શિયાળામાં ચોરી અને ઘરફોડના બનાવ બનતા હોય છે. ત્યારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં એકલી રહેતી વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટ કરી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘરની કાચી દિવાલમાં બાકોરુ કરી લૂંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને ચપ્પુની અણીએ 70 વર્ષીય રમીલાબેન પટેલને બાનમાં લઇને દાગીના અને રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ભરૂચના ઝાડેશ્વર ગામમાં વૃદ્ધ મહિલાને બંધક બનાવી લૂંટ ચલાવી, દિવાલમાં બખોલ બનાવી ઘરમાં પ્રવેશ્યા લૂંટારું
ભરૂચના ઝાડેશ્વર ગામમાં ચકચારી લૂંટનો બનાવ સામે આવ્યો છે. નેતાજી ફળીયામાં એકલી રહેતી વૃદ્ધ મહિલાને બંધક બનાવી અજાણ્યા શખ્સોએ ઘરમાં લૂંટ ચલાવી હતી. વાડામાંથી કાચી દિવાલમાં બખોલ બનાવી લૂંટારુંઓ ઘરમાં પ્રવેશ્યા અને સોના-ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ લૂંટી ગયા હતા. આ મામલે પોલીસે સીસીટીવી કેમેરા સહિતના માધ્યમથી તપાસ શરુ કરી છે.
Published : Nov 21, 2023, 8:55 PM IST
ચકચારી લૂંટ :પીડિત વૃદ્ધાના જમાઈ શિલ્પેશ પટેલના જણાવ્યા અનુસાર રમીલાબેન પટેલના ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી તે પાડોશના મકાનમાં ભાડે રહે છે. 20 નવેમ્બરની રાતે વૃદ્ધા ઘરમાં એકલા હતા. ત્યારે પહેલા માળના વેન્ટિલેશનમાં બાકોરું પાડી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ્યા હતા. મહિલા ઘરમાં એકલી હોવાથી લૂંટારુઓએ તેને ચપ્પુ બતાવી ભયભીત કરી તમામ કિંમતી વસ્તુઓ અને રોકડ સોંપી દેવા કહ્યું હતું. મહિલાન બાનમાં લઇને લૂંટારુઓએ સોનાની બે બંગડી અને રોકડ મળી રૂપિયા 2 લાખની મત્તાની લૂંટ ચલાવી હોવાનો અંદાજ છે.
પોલીસ તપાસ :આ અંગે માહિતી મળતા સી ડિવિઝન પોલીસ અને LCB પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભરૂચ DySP એમ.એમ. ગાંગુલીના જણાવ્યા અનુસાર પોલીસે આ અંગે લૂંટનો ગુનો દાખલ કરીને સર્વેલન્સ અને સીસીટીવી કેમેરાની મદદથી લૂંટારૂઓનું પગેરું મેળવવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસની અલગ અલગ ટીમ બનાવી વિવિધ વિસ્તારમાં નાકાબંધી કરીને ચેકિંગ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર 2 શખ્સોએ આ ગુનાને અંજામ આપ્યો હોવાનો અંદાજ છે.