ભરુચઃ જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાયો છે. શહેરના આર.કે. હેબીટેડમાં રહેતા વીજ કંપનીના નાયબ ઇજનેરને કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં અનલોક વનમાં કોરોના વાઇરસ જાણે બેકાબુ બની રહ્યો હોય એમ એક પછી એક નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા આર.કે.હેબીટેડમાં રહેતા અને વીજ કંપનીમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા વિનોદ શાહનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગત્ત સપ્તાહમાં વિનોદ શાહ તેમના પુત્રને લેવા અમદાવાદ ગયા હોવાથી એ સમયે તેમને કોરોના વાઇરસનું સંક્રમણ લાગ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 55 પર પહોંચી છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોધાયો આ ઉપરાંત જિલ્લામાં અત્યાર સુધીમાં ચાર દર્દીઓના કોરોના વાઇરસના કારણે મોત નિપજ્યા છે તો 36 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસના 15 કેસ એક્ટિવ છે.
અંકલેશ્વરના તીર્થ નગરમાં રહેતો 6 વર્ષીય બાળક અમદાવાદ ગયો હતો તે દરમિયાન તેને કોરોનાનું સંક્રમણ થયું હતું. અંકલેશ્વર પરત આવી તેનો રિપોર્ટ કઢાવવામાં આવતા તેને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. આથી તેને અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે 6 વર્ષના બાળકે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયો છે. સોમવારે તેને અંકલેશ્વરની સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ હોસ્પિટલના સ્ટાફે તાલીઓના અભિવાદન સાથે તેને ઘરે રવાના કર્યો હતો.