ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં પાણીની અછત, પાણી માટે લોકોને હાલાકી

બનાસકાંઠાઃ મોટાભાગના વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં જિલ્લામાં ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. અનેક ગામોમાં ટેન્કર દ્વારા પાણી આપવાની ફરજ પડી છે. જેમાં પણ ત્રણ દિવસે એક વખત ટેન્કર આવતું હોવાથી લોકો પણ પાણી લેવા પડાપડી કરે છે અને પાણી બાબતે ઝઘડા થાય તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે.

By

Published : May 4, 2019, 6:03 AM IST

સ્પોટ ફોટો

બનાસકાંઠા જિલ્લો રણની કાંધીએ આવેલો હોવાથી વર્ષોથી પાણીની સમસ્યા ભોગવી રહ્યો છે. જેમાં પણ ગત વર્ષે વરસાદ નહિવત પડતા આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. ઉનાળાની સિઝનમાં અનેક ગામડાઓમાં પાણી માટે પોકાર ઉઠી રહ્યા છે. રણ વિસ્તારના ગામોમાં તો પાણીની સમસ્યા કાયમી છે. હવે ધાનેરા તાલુકામાં પણ પાણીની તકલીફ ઊભી થઈ છે.

ધાનેરાના ભાટીબ, રામપુરાછોટા, જડીયા, રવિ સહિતનાં ગામોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. ધાનેરાના રામપુરા છોટા ગામમાં ત્રણ દિવસે એક વખત પાણીનું ટેન્કર આવે છે. બે હજારની વસ્તી ધરાવતા ગામમાં લોકો માટે પાણીનો બોર તો છે પરંતુ બોરમાં મોટર પડી જવાના કારણે ફરીથી બોર શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે અહીંના લોકોને પાણી માટે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. લોકોને પાણી ભરવા બે ત્રણ કિલોમીટર દુર ખેતરો વિસ્તારમાં જવું પડે છે. જ્યારે ગામમાં પશુધન તરસે મરી રહ્યું છે અને પાણીના ભાવે કેટલીક ગાયોના પણ મોત થયા છે.

બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પોકાર...
ગામનો બોર છેલ્લા ત્રણ માસથી બંધ હાલતમાં છે. સરપંચને અનેક વખત રજૂઆત કરવા છતાં તેમજ તાલુકા કચેરીએ પણ જાણ કરવા છતાં હજુ સુધી બોર રીપેરીંગ કરવામાં આવતો નથી. જેના કારણે ગ્રામજનોને પાણી માટે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તલાટીએ ટેન્કરની વ્યવસ્થા કરી છે પરંતુ ટેન્કર પણ બે-ત્રણ દિવસે એક વખત આવતું હોવાથી લોકોને પાણી માટે ટેન્કર આવે ત્યારે પડાપડી કરવી પડે તેવી હાલત છે.ઉનાળાની સિઝન હોય પાણીની સમસ્યા દરેક જગ્યાએ સરખી રીતે ઊભી થઈ છે. બનાસકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરી છેવાડાના વિસ્તારો સુધી પુરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાય તો જ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અને પશુધન બચી શકશે.

ABOUT THE AUTHOR

...view details