- અંબાજી માતાજીના મંદિરમાં દર્શનના સમય વધારો કરાયો
- બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલનો આદેશ
- દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આવે છે અંબાજી મંદિર
ગાંધીનગરઃ નવરાત્રિ હોવાથી ચારે તરફ ભક્તો માતાજીની આરાધના કરી રહ્યા છે. તેવામાં અંબાજી માતાજીના મંદિરમાં જનારા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કર્યો છે. દર વર્ષે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામં ભક્તોની ભીડ ઉમટે છે. આ વર્ષે ભક્તોને તકલીફ ન પડે તે માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો અમલ 19 ઓક્ટોબર એટલે કે આજથી કરવામાં આવશે.
સવારે 7 વાગ્યે અને સાંજે 6.30 વાગ્યે આરતી થશે
અંબાજી માતાના મંદિરમાં ભક્તો સવારે 7.30થી 11.45, બપોરે 12.15થી 4.15 અને સાંજે 7થી 11 વાગ્યા સુધી દર્શનનો લ્હાવો લઈ શકશે. મંદિરમાં માતાજીની આરતી સવારે 7થી 7.30 વાગ્યે અને સાંજે 6.30થી 7 વાગ્યા સુધી આરતી કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તો અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ www.ambajitemple.in પર અથવા તો ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યૂબના માધ્યમથી આરતીનું જીવંત પ્રસારણ પણ જોઈ શકશે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ભક્તોએ કોવિડ-19ની માર્ગદર્શિકાનું પણ પાલન કરવું પડશે. આ સાથે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું પડશે. ટ્રસ્ટે યાત્રાળુઓને કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસરવા અને દર્શન વ્યવસ્થામાં સહયોગ આપવા અપીલ કરી છે.