પાલનપુરઃ બનાસકાંઠા સહિત સમગ્ર દેશભરમાં કોરોના વાઈરસના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, તેને નાથવા માટે આરોગ્ય વિભાગથી લઈ કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે. મુખ્યપ્રધાન અને વડાપ્રધાન પણ લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા માટે વારંવાર વિનંતી કરી રહ્યા છે. તેમ છતાં પણ બનાસકાંઠાના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે.
ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા કોરોના મહામારી વચ્ચે પણ ઘોડા પર બેસી વરઘોડો કાઢી રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ બાધા પુરી કરવા માટે માસ્ક વગર શોભાયાત્રા કાઢી મંદિરમાં પહોંચી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે. આટલું ઓછું હોય તેમ કાંકરેજના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ પણ પોતાની શાળાની અંદર બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોના ટોળા વચ્ચે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા છે.