બનાસકાંઠાઃ જિલ્લામાંં ગઈકાલે એક સાથે 7 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ સાથે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 38 પર પહોંચી ગયો છે. પાલનપુર વાસણીમાંથી 5 અને ગઢગામથી 1 કોરોના પોઝિટિવ દર્દી મળી આવતા અહીં 8 કિલોમીટર સુધીના વિસ્તારને કંટેઇન્મેન્ટ એરિયા જાહેર કરાયો છે.
બનાસકાંઠાના વાસણી ગામને કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો - વાઇરસ
જિલ્લાના વાસણી ગામમાં એક જ દિવસમાં પરિવારના 5 સભ્યોને કોરોના વાઇરસના પોઝિટિવ કેસ મળી આવતા આ ગામને હાલ કન્ટેઈનમેન્ટ એરિયા જાહેર કરાયો છે.
વાસણી અને ગઢગામ આજુબાજુના આઠ કિલોમીટરના એરિયાને બફર ઝોન જાહેર કરી દેવાયો છે. જેથી અહીં આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. બનાસ ડેરીએ પણ ગઢ ગામની સહકારી દૂધ મંડળીનું દૂધ સ્વીકારવાનું બંધ કર્યું હતું. જો કે દૂધ મંડળી દ્વારા TDOને સોશિયલ ડિસ્ટન્સ જાળવી દૂધ ચાલુ કરાવવા મૌખિક રજૂઆત કરાઇ છે. પોલીસ દ્વારા ગઢના તમામ કાચા પાકા રસ્તાઓ સીલ કરી અવરજવર બંધ કરી દીધી છે. પોઝિટિવ દર્દીના ઘર તેમજ મહોલ્લાને સૅનેટાઇઝ કરી પરિવારજનોને પણ કોરેન્ટાઇન કર્યા છે જેથી કોરોના વાઇરસને વધુ સંક્રમિત થતો અટકાવી શકાય.