બનાસકાંઠા : ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢના જોરાપુરા ગામે હદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં આ ગામમાં રહેતા દશરથ ઠાકોર તેની પત્ની અને બાળકોને લેવા માટે તેની સાસરી જોરાપુરા ગામે આવ્યો હતો, પરંતુ પારિવારિક અણબનાવના કારણે પત્નીએ તેના પતિ સાથે જવાની ના પાડી હતી.
બનાસકાંઠામાં પત્ની સાથે બદલો લેવા પતિએ સસરાના પશુઓને મોતને ઘાટ ઉતાર્યા - ગુજરાત પોલીસ
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા જોરાપુરા ગામમાં પત્ની સાથે બદલો લેવા પતિએ સસરાના પશુઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર જમાઈની શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર પારિવારીક ઝઘડા વચ્ચે રોષે ભરાયેલા પતિએ પત્ની સાથે બદલો લેવા માટે કાવતરું રચ્યું હતું. જે મુજબ પતિએ મોડી રાત્રે તેના ઘરે આવી અને ખેતરમાં રહેલા 6 પશુઓને રોટલા સાથે ઝેરી પદાર્થ ખવડાવી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. જો કે તે સમયે તેના સસરાને જાણ થતાં જ તેઓ દોડી આવતા જમાઈ ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે કણસતા પશુઓ જોઈ દેશી સારવાર કરી 4 પશુઓને બચાવી લેવાયા હતા. જ્યારે 2 પશુઓના મોત નિપજ્યા હતા.
આ સમગ્ર ઘટના મામલે સસરાએ જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. માનસિક વિકૃતિ ધરાવતા જમાઈ દશરથના આ કૃત્યથી ગ્રામજનો પણ રોષે ભરાયા હતા અને પશુઓને મોતને ઘાટ ઉતારનાર દશરથને પકડી કડક કાર્યવાહી કરે તેવી માગ કરી રહ્યા છે.