- ઠાકોર સમાજ કર્મચારી સંગઠને અભિયાન ઉપાડ્યું
- ઠાકોર સમાજે વિનામૂલ્યે રીડિંગ લાયબ્રેરીની સુવિધા શરૂ કરી
- 45 વિધાર્થીઓની બેઠક વ્યવસ્થા
- આસપાસના 25 ગામોના છાત્રો લઈ શકશે લાભ
બનાસકાંઠા : ઠાકોર સમાજમાંથી આવતાં નાયબ મામલતદાર, પોલીસકર્મી, લશ્કરી જવાનો, સરકારી આગેવાનો, સરપંચો અને અગ્રણીઓ સહિત ઠાકોર સમાજ કર્મચારી સંગઠને સમાજના યુવાનોને સરકારી નોકરીની તૈયારી માટે વધુ નાણાં ખર્ચવા ન પડે અને તેમને ગ્રામ્ય લેવલે જ સુવિધાયુક્ત લાયબ્રેરી વિનામૂલ્યે મળી રહે તેવા ઉમદા આશયથી પાલનપુરના ચંડીસર ખાતે લાખોના ખર્ચે વિનામૂલ્યે રીડિંગ લાયબ્રેરી શરૂ કરી છે. જેમાં 45 વિધાર્થીઓને બેસવાની વ્યવસ્થા છે. તેમજ અહીં જીપીએસસી તેમજ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ માટેના તમામ પુસ્તકો પણ ઉપલબ્ધ રહેશે. જે આ રવિવારથી ખુલ્લી મુકવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાનું ઠાકોર સમાજ હવે કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણમાં ઉત્તરોતર પ્રગતિ સાધી રહ્યું છે. નવી પેઢી શિક્ષણમાં આગળ વધે તે માટે યથાર્થ કાર્યો થઇ રહ્યા છે. જ્યાં પાલનપુર તાલુકાના ચંડીસર ગામની આ રીડિંગ લાયબ્રેરીથી સમાજના દીકરા દીકરીઓ શિક્ષણમાં વધુ આગળ વધશે તેમ સમાજના જાગૃત યુવાનોએ જણાવ્યું હતું.