આ છે કાકવાડા પ્રાથમિક શાળાના બાળકોની સ્થિતી, આ શાળાના વિદ્યાર્થીઓને આજે પણ અભ્યાસ માટે નદીમાં 1 ફૂટ જેટલા પાણીમાં થઈને પસાર થવું પડે છે. કારણ કે, આ વિસ્તાર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢ તાલુકાનો છે. અહીંના 7 જેટલા ગામોમાં અવર-જવર માટે એક માત્ર આ નદીનો માર્ગ હોવાથી કોઈ પણ કામકાજ અર્થે આવવું જવુ હોય તો, નદી તો પસાર કરવી જ પડે છે. જેમાં કાકવાડા, સોની, સોનાવડી, ચમનીયા, અને ગોવાવાડી સહિતના ગામો નદીના એક તરફ આવેલા છે. જ્યારે ગામના બાળકો અભ્યાસ માટે જાય છે, તે કાકવાડા પ્રાથમિક શાળા નદીના બીજી તરફ આવેલી છે. જેથી જ્યારે પણ બનાસ નદીમાં પાણી આવે ત્યારે છાત્રોએ નદી ઓળંગીને શાળામાં અભ્યાસ માટે જવું પડે છે.
બનાસકાંઠાના અમીરગઢના વિદ્યાર્થીઓ જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ
બનાસકાંઠાઃ સરકાર ભલે 'સૌ ભણે સૌ આગળ વધે'ની વાતો કરતું હોય. પરંતુ બનાસકાંઠામાં આજે પણ સામાન્ય વરસાદમાં બાળકોએ ગુડા સુધી પાણીમાં થઈને અભ્યાસ માટે જવું પડી રહ્યું છે. નેતાઓ પણ ચૂંટણી પહેલા ખાલી વચનો આપી જતા રહ્યા બાદ પણ પરિસ્થિતિ આજે પણ જૈસે થી વૈસે છે. 7 જેટલા ગામમાં અવર જવર કરવાનો અન્ય કોઈ માર્ગ ન હોવાથી લોકોને પાણીમાં થઈને જવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
હાલમાં જ બનાસ નદીમાં છેલ્લા એક મહીનાથી એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરેલું હોવાથી બાળકોએ આ પાણીમાં જીવના જોખમે પસાર થઈ અભ્યાસ માટે જવું પડે છે. એટલું જ નહીં, પણ ગામમાં જ્યારે કોઈ બીમાર હોય અને 108 એમ્બ્યુલન્સ આવી હોય તો, પણ નદીની સામે પાર ઉભી રહે છે અને દર્દીને નદીમાંથી બીજી તરફ લઇ આવ્યા બાદ તેને સારવાર અર્થે ખસેડી શકાય છે. આવી કરુણ પરિસ્થિતિ હોવા છતાં, પણ નથી તો કોઈ અધિકારીઓ સાંભળતા કે, નથી કોઈ નેતાઓને આ લોકોની ફિકર, સ્થાનિક લોકો વાંરવાર રજુઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે.