ઉત્તરાયણ એ પતંગ ચગાવી આનંદ ઉત્સાહભેર મનાવાતો ઉત્સવ છે. લોકો મોટા પ્રમાણમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ ચગાવતા હોય છે. આકાશમાં ઉડી રહેલા આ પતંગની દોરીથી પક્ષી મોટી સંખ્યામાં ઘાયલ થાય છે. જેમાં ઘણા પક્ષીઓ મોતને પણ ભેટે છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી પક્ષીઓના પાંખ અને ભાગે ઈજાઓ થાય છે. જેની સારવાર માટે ઘણી સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે. ડીસામાં પણ પક્ષી બચાવો મહા અભિયાન અંતર્ગત ઈજા પામેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી રહી છે.
ઉત્તરાયણ પર્વ નિમિત્તે યુવાઓ પતંગ ઉડાવવાની બદલે પક્ષીઓ બચાવો અભિયાનમાં જોડાયા - પક્ષી બચાવો મહા અભિયાન
બનાસકાંઠાઃ ડીસામાં ઉત્તરાયણ નિમિત્તે પક્ષી બચાવો મહા અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના ઘણા યુવાનોએ પતંગ ચગાવવાનું ટાળી ઘાયલ પક્ષીઓની મદદ કરવાનું પસંદ કર્યું હતું.
ઉત્તરાયણના દિવસે લોકો વહેલી સવારથી જ ધાબે ચડી જાય છે. જ્યા તેઓ પતંગ ચગાવે છે તેમજ મોટા અવાજમાં ગીતો પણ વગાડતા હોય છે. વહેલી સવારે પક્ષીઓનો આકાશમાં વિહાર કરવાનો સમય હોય છે. આ સમય દરમિયાન પક્ષીઓ પતંગની દોરીના સંપર્કમાં આવતા તેમની પાંખ અને શરીરના ભાગે ઈજાઓ થાય છે. ઉત્તરાયણ નિમિત્તે ઘાયલ થતા પક્ષીઓને બચવવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકારી તંત્ર કાર્યરત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સેવાભાવી સંસ્થાઓ સાથે મળી સરકારી તંત્ર દ્વારા પક્ષીઓને બચવવા માટેનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણમાં અત્યાર સુધી અનેક પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને પક્ષી બચાવો અભિયાનના કેમ્પમાં સારવાર આપવામાં આવી રહી છે.
પતંગ ચગાવવાનો યુવાનોમાં ભારે ઉત્સાહ હોય છે, પરંતુ અનેક યુવાનો ઉત્તરાયણ ન મનાવી ઘાયલ પક્ષીઓની સેવા કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ યુવાનો ભેગા થઇને ઘાયલ પક્ષીઓની સારવાર કરી રહ્યા છે. પક્ષીઓ પ્રાકૃતિક સૌંદર્યનો એક ભાગ છે, અને જીવદયા માટે આપણે તેમનું જતન કરવું જોઈએ. અનેક યુવાનો ઉત્તરાયણ નિમિત્તે પતંગ ન ચગાવી ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખડેપગે ઉભા રહીને પક્ષીઓને જીવનદાન આપી રહ્યો છે.