- નિવૃત સૈનિકોએ પોતાની પડતર માંગણીઓ મુદ્દે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું
- શહીદના પરિવારજનોને એક કરોડની આર્થિક સહાય આપવા સહિતની કરી માંગ
- રાજ્ય સરકાર હાલ શહીદ જવાનને રૂપિયા 5 લાખ આપે છે સહાય
બનાસકાંઠાઃ જિલ્લાના 600 નિવૃત સૈનિકોએ પોતાની 14 જેટલી પડતર માંગણીઓના મુદ્દે શુક્રવારે જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લાના 600થી અધિક જવાનો આર્મી, નેવી અને ઐરફોર્સમાં ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે 250 જેટલા નિવૃત સૈનિકોની 14 જેટલી માંગણીઓ રાજ્ય સરકાર સામે પેન્ડિંગ છે. છેલ્લાં ઘણા વર્ષોથી આ નિવૃત જવાનો પોતાની માંગણીઓ મુદ્દે સરકારમાં વારંવાર રજુઆત કરી રહ્યા છે, જે મુદ્દે સરકારે તમામ માંગણીઓનો હકારાત્મક નિકાલ લાવવાની બાંહેધરી આપી છે. પરંતુ હજુ સુધી કોઈ જ માંગણી સંતોષાઇ નથી.
બનાસકાંઠાના નિવૃત સૈનિકોએ શહીદના પરિવારજનોને એક કરોડની સહાય આપવા કરી માંગ પોતાની માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર કર્યો
રાજ્ય સરકાર હાલ શહીદ જવાનને 5 લાખ રૂપિયા જ સહાય આપે છે, જ્યારે દિલ્હીની સરકાર 1 કરોડની આર્થિક સહાય આપે છે. જે મુદ્દે જિલ્લાના તમામ નિવૃત સૈનિકો જિલ્લા કલેકટર કચેરી એકત્ર થયા હતા અને પોતાની માંગણીઓ મુદ્દે સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ ત્વરિત ધોરણે તેમની તમામ માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી.
કઈ કઈ મુખ્ય માંગણીઓ
- શહીદના પરિવારને એક કરોડની સહાય આપવી
- ગુજ.સરકારની તમામ ભરતીઓમાં નિવૃત જવાનોને તેમના કવોટામાં જ નોકરી આપવી
- રહેણાંક તેમજ ખેતીના પ્લોટ ફાળવવા
- શહીદ સ્મારક બનાવવું
- ભારતીય સેનાનું દારૂ પરમીટ માન્ય રાખવું
- કોન્ટ્રાક્ટ નોકરીમાં થતું શોષણ રોકવું
- નિવૃત સૈનિકોને હથિયાર લાયસન્સની પ્રક્રિયા સરળ કરી સિક્યુરિટીમાં નોકરી પર લેવા
- નિવૃત સૈનિકોના સામાજિક પ્રશ્નોની ત્વરિત નિકાલ કરવો
- નિવૃત સૈનિકની નોકરીના સમયગાળાને ગુજ.સરકારની નોકરીમાં સળંગ ગણવો
- પાંચ વર્ષની ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવી
- નિવૃત સૈનિકને તેના રહેણાંક વિસ્તારમાં જ સરકારી નોકરી આપવી
- નિવૃત સૈનિકોના બાળકોને ઉચ્ચ અભ્યાસમાં અનામત આપવી
- નિવૃત સૈનિકોના બાળકોનો અભ્યાસ ખર્ચ રાજ્યસરકાર ઉઠાવે
- નિવૃત સૈનિકોનો વ્યવસાય વેરો માફ કરવો