- શંકરસિંહ વાઘેલા સાથે રહી રાકેશ ટિકૈતે અંબાજીથી ખેડૂત સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો
- બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો પણ રાકેશ ટિકૈતના સ્વાગત કાર્યક્રમમાં જોડાયા
- રાજસ્થાનના સૂરપગલા ખાતે રાકેશ ટિકૈતે ખેડૂતોની સભાને સંબોધિત કરી
બનાસકાંઠાઃ દિલ્હી-હરિયાણા બોર્ડર પર કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરોધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જે આંદોલનને વાંચા આપવા માટે ખેડૂત આંદોલનના પ્રણેતા રાકેશ ટિકૈત બે દીવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રાજ્યના ખેડૂતોની હાલત જાણવા અને તેમને ન્યાય અપાવવા માટે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સાથે રાકેશ ટિકૈતે અંબાજીથી પોતાની ખેડૂત સંવાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આજે રવિવારે સવારે રાકેશ ટિકૈત ટ્રેન માર્ગે આબુરોડ આવી પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રીય કિસાન મોરચાના આગેવાનો તેમજ સેવા દળના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો પણ રાકેશ ટિકૈતના સ્વાગતમાં જોડાયા હતા. રાકેશ ટિકૈટ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન ગુજરાતની સરહદ નજીક રાજસ્થાનના સૂરપગલા ખાતે ખેડૂતોની સભાને પણ સંબોધિત કરી હતી. આ ઉપરાંતના 20 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતો આ યાત્રામાં જોડાયા હતા. રાજસ્થાનના સૂરપગલા ખાતે તેમનું સ્વાગત થયા બાદ રાકેશ ટિકૈતને રેંટીયો અર્પણ કરી તેમજ માથે સાફો બાંધી કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
આ પણ વાંચો:ખેડૂત નેતા રાકેશ ટિકૈત બનાસકાંઠા પહોંચ્યા, ટ્રેક્ટર રેલી સાથે અંબાજી જશે
રાજસ્થાનના 500 જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી
સૂરપગલામાં સ્વાગત બાદ રાકેશ ટિકૈતની યાત્રા ગુજરાત તરફ આવતા રાજ્યની સરહદ નજીક રાકેશ ટિકૈતે વિશાળ પોલીસ કાફલા સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ પ્રવાસ દરમિયાન રાકેશ ટિકૈત દ્વારા કોઈપણ જાતના RT-PCR ટેસ્ટનું સર્ટીફીકેટ બતાવ્યું ન હતું. છતા છાપરી ખાતે કેટલાક ખેડૂતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હળ અર્પણ કરાવ્યું હતું. ગુજરાતની સરહદમાં તેમની યાત્રા દરમિયાન રાજસ્થાનથી આવતા 500 ઉપરાંત ખેડૂતોને સરહદ છાપરી બોર્ડરે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.
ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ કર્યો
પોલીસને રજૂઆત કર્યા બાદ તમામ ખેડૂતોએ ધક્કામુક્કી કરી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. ઉપરાંત ખેડૂતોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો સરેઆમ ભંગ કર્યો હતો, એટલું જ નહીં આબુરોડથી સાથે જોડાયેલા 20 ઉપરાંત ટ્રેક્ટરોને ગુજરાતની સરહદ છાપરીએ અટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારે સરહદ છાપરીથી અંબાજી સુધી મોટી સંખ્યામાં બાઈક ચાલકો એક રેલી મારફતે રાકેશ ટિકૈત સાથે અંબાજી મંદિર પહોંચ્યા હતા. જ્યાં માતાજીના ગર્ભગૃહના બહારથી જ દર્શન કર્યા હતા તેમજ મંદિરમાં પણ માસ્કના નિયમનનો છડેચોક ભંગ કર્યો હતો.