બનાસકાંઠા લોકસભા બેઠક પરથી હવે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. અહીં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના સંગઠન અને પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર કોંગ્રેસના નેતા છે. તેઓ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ગુજરાતના સ્ટાર પ્રચારક પણ છે, પરંતુ તેઓની જ ઠાકોર સેનાએ બનાસકાંઠામાં કોંગ્રેસ સાથે બળવો કરી પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો હોવાથી હવે અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં કોંગ્રેસનો પ્રચાર કરવા આવશે નહીં.
શું કોંગ્રેસના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં નહીં કરે પ્રચાર ? - gujarati news
બનાસકાંઠાઃ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં ઠાકોર સેનાના પ્રમુખ અને કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર કોંગ્રેસનો પ્રચાર કરી શકશે નહીં. બનાસકાંઠામાં ઠાકોર સેનાએ પણ કોંગ્રેસથી નારાજ થઈ લોકસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જેના કારણે અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાં પોતાના સંગઠનનો જ પ્રચાર કરશે, જ્યારે ગુજરાતની બાકી બેઠકો પર તેઓ કોંગ્રેસનો પ્રચાર કરશે.
બનાસકાંઠા લોકસભા બેઠક પર ઠાકોર સેનાએ ઠાકોર સમાજને ટિકિટ આપવાની માંગ કરી હતી. જોકે બંને રાષ્ટ્રીય પક્ષોએ ઠાકોર સમાજને ટિકિટ ન આપતા ઠાકોર સેનાએ પોતાના બે ઉમેદવારો ઊભા રાખ્યા છે. જેમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ મુકેશ ઠાકોરે પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું હતું, જ્યારે ઠાકોર સેના પ્રદેશ ઉપાધ્યક્ષ સરૂપજી ઠાકોરે સંગઠનના આ નિર્ણયને માન્ય રાખી પોતાની ઉમેદવારી ચાલુ રાખી હતી. જેના કારણે હવે બનાસકાંઠામાં ત્રિપાનખીયો જંગ જામ્યો છે. ઠાકોર સેનાએ કોંગ્રેસ સામે બંડ પોકાર્યું છે ત્યારે કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લા પૂરતો પોતાના સંગઠન ઠાકોર સેનાનો જ પ્રચાર કરશે તેમ બનાસકાંઠા ઠાકોર સેના ઉમેદવારે જણાવ્યું હતું.