વિદ્યાર્થીઓ ખુલ્લાં મેદાનમાં ઝાડ નીચે બેસીને શિક્ષણ મેળવવા મજબૂર બનાસકાંઠા:રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ભણીગણીને આગળ વધે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ શાળામાં અભ્યાસ પાછળ ખર્ચવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારનું શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે સરહદી વિસ્તારને અડીને આવેલા વિસ્તારોમા શાળાઓ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તમામ સરકારની વાતો વચ્ચે બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારોની અનેક શાળાઓમાં હાલ પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે.
ઝાડ નીચે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ વરસાદને કારણે ઓરડાને નુકસાન: ભાખરી ગામની કે જ્યાં પ્રાથમિક શાળાના બાળકો સારી રીતે શિક્ષણ મેળવી શકે તે માટે ધોરણ 1 થી 8 માટે 13 ઓરડાવાળી શાળા બનાવવામાં આવી હતી. આ શાળામાં 388 જેટલા વિદ્યાર્થીઓ પોતાના ભાવિ ભવિષ્ય માટે અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. પરંતુ વર્ષ 2015 અને વર્ષ 2017 માં આવેલ ભારે વરસાદને કારણે આ બાળકોનું ભાવિ પાણીમાં તણાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભાખરી પ્રાથમિક શાળાના 13 ઓડામાંથી 10 જેટલા ઓરડા ડેમેઝ થઈ ગયા હતા. ત્યારે આ ઓરડા પાડી દેવામાં આવ્યા હતા.
વરસાદને કારણે ઓરડાને નુકસાન: ઝાડ નીચે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અભ્યાસ: બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે શિક્ષકોએ અભ્યાસ તો શરૂ કર્યો. પરંતુ શાળાના ઓરડામાં નહીં પરંતુ બહાર લીમડાના એક ઝાડ નીચે. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની ધોમધખતી ગરમી હોય કે પછી ચોમાસાનો વરસાદ હોય કોઈપણ પરિસ્થિતિ વચ્ચે હાલ બાળકો છેલ્લા સાત વર્ષથી ઓરડા વગર શાળામાં બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં આ શાળામાં માત્ર 3 ઓરડા બચ્યા છે, જેમાં શિક્ષકો એક રૂમ ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. બીજો રૂમ કોમ્પ્યુટર તરીકે ઉપયોગ કરે છે અને બચેલા માત્ર એક રૂમમાં જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે તેટલા વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
રજૂઆતો માત્ર કાગળ પર:સાત વર્ષ સુધી શાળાના શિક્ષકો તેમજ વાલીઓએ આ શાળા નવી બનાવવા માટે સ્થાનિક શિક્ષણ અધિકારી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ પરબતભાઈ પટેલ શંકરભાઈ ચૌધરી સહિત તમામ ગાંધીનગરના શિક્ષણ વિભાગ સુધી રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆત માત્રને માત્ર કાગળ ઉપર જ રહી ગયું હોય તેવું આજે ભાખરી ગામના બાળકો ઝાડ નીચે અભ્યાસ કરતા નજરે પડતાં સાબિત થઈ રહ્યું છે.
અમારા તરફથી પણ સરકારશ્રીને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ ટેન્ડર પ્રક્રિયાના પ્રોબ્લેમ ના કારણે આ શાળાના ઓરડા બનતા નથી. ઓરડા ન હોવાને કારણે બાળકોને બેસવામાં તકલીફ પડે છે. સરકારને નમ્ર વિનંતી છે કે શાળાના જે ઓરડા છે તે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. ઓરડા ઓછા છે જેના કારણે બાળકોને બે પાળીમાં ડિવાઇડ કરવામાં આવ્યા છે. - શિક્ષક, પરાગ પટેલ
2015 17માં ભારેપુર આવ્યું હતું. જેના કારણે અમારી શાળાના ઓરડા ડેમેજ થયા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા ઓરડા ડેમેજ જાહેર કરી ઉતારી લેવામાં આવ્યા અને હજુ સુધી બનાવવામાં આવ્યા નથી. તેથી વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે. વિદ્યાર્થીઓ અત્યારે બહાર બેસીને ભણી રહ્યા છે. ઓરડા ના હોવાને કારણે અનેક વિદ્યાર્થીઓ ભણવા પણ આવતા નથી. સરકારને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તંત્ર દ્વારા કંઈ સાંભળવામાં આવતું નથી. - અમરત ભાઈ જોશી, સરપંચ
વર્ગખંડો રાજ્ય સરકાર દ્વારા મંજુર કરી દેવામાં આવેલા છે. આ વર્ગખંડો હાલ ટેન્ડર પ્રોસેસની અંદર છે. હવે ટૂંક સમયની અંદર એનો વર્ક ઓર્ડર મળે એટલે અમે તાત્કાલિક ધોરણે એનું કામ ચાલુ કરાવી દઈશું. બનાસકાંઠામાં અત્યારે કુલ 1890 જેટલા વર્ગખંડો મંજૂર થયેલા છે. આ પૈકી 1600 કરતાં વધારે વર્ગખંડોનું કામ અત્યારે ચાલુ છે બાકીના જે વર્ગખંડો બાકી રહી ગયા છે તેને ટૂંક સમયની અંદર વર્ક ઓર્ડર મળે એટલે તાત્કાલિક ધોરણે એનું કામપૂરું કરીશું. - વિનય પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી
- Patan Education News : પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 179 ઓરડાઓની ઘટ, વિદ્યાર્થીઓને ભણવામાં પડી રહી છે મુશ્કેલીઓ
- Gujarat Shortage Of Teachers: શિક્ષકોની ઘટ વચ્ચે કેવી રીતે ભણશે ગુજરાત, નવી ભરતી કરવામાં સરકારની નીરસતા