- કોરોના મહામારી દરમિયાન વિટામીન સી યુક્ત ફળોની કિંમતમાં ઉછાળો
- બનાસકાંઠામાં ફળોના ભાવ વધતા દર્દીના સંબંધીઓમાં ચિંતા
- જરૂરિયાત હોવાથી તગડા ભાવ ચૂકવીને પણ ખરીદવા મજબૂર
બનાસકાંઠા: કોરોના મહામારીની બીજી લહેરમાં નવા સ્ટ્રેઈન સામે આવી રહ્યા છે. જેના કારણે ડૉક્ટર્સ પણ દર્દીઓને વિટામીન સી યુક્ત ફળો ખાવાની સલાહ આપી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં પણ કોરોના કેસ વધતા ફળોના વેપારીઓ દ્વારા 2થી 3 ગણા ભાવ વસૂલવામાં આવી રહ્યા છે. બનાસકાંઠાના બજારોમાં હાલ મોસંબી 120 રૂપિયે કિલો, કેળા 40 રૂપિયે કિલો, નારંગી 200 રૂપિયે કિલો અને સફરજન 400 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
બનાસકાંઠામાં કોરોના કેસની સાથે ફળોના ભાવ પણ આસમાને અપૂરતા જથ્થા વચ્ચે માગ વધતા ભાવ વધે છે
બનાસકાંઠામાં કોરોના મહામારી અગાઉ મોસંબીનો ભાવ પ્રતિ 15 કિલોના 600થી 700 રૂપિયા હતો. જે હાલમાં 1550થી 1600 રૂપિયા થઈ ગયો છે. ફ્રૂટના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે, આ ભાવ આગળથી જ વધીને આવે છે. કોરોનામાં લાદવામાં આવેલા કરફ્યૂની અસર ધંધા પર પડી રહી છે. તમામ ધંધામાં ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ લાગૂ પડતો હોય છે. હાલ કોરોનાને કારણે ફળોની માગ વધી છે. વેપારીઓ પાસે પૂરતો જથ્થો ન હોવાથી કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ભાવ વધ્યા હોવા છતાં જરૂરી હોવાથી ખરીદવા પડે છે
દર્દીના સંબંધીના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓને સૌથી વધારે જરૂર વિટામીન સીની હોય છે. જે ખાટા ફળોમાંથી મળે છે. કોરોનાને કારણે આ પ્રકારના તમામ ફળોના ભાવ આસમાને પહોંચી ગયા છે. કોરોના પહેલા જે ફળ 20 રૂપિયે કિલો વેચાતા હતા, તે હાલમાં 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. તેમ છતાં કોરોનાથી રક્ષણ મેળવવા લોકો ફળ ખરીદી રહ્યા છે.