ડીસામાં રખડતા પશુઓથી લોકો થાકી ગયા, તંત્રના આખ આડા કાન બનાસકાંઠા:ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે. પરંતુ વધતા જતા વિકાસની સામે લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વાત છે ડીસા શહેરમાં રખડતા પશુઓની. છેલ્લા ઘણા વર્ષોથી ડીસા શહેરમાં રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે વધતા જતા પશુઓના આતંકના લીધે અનેક લોકો રખડતા પશુઓનો ભોગ બન્યા છે. સ્થાનિક લોકોએ નગરપાલિકા આગળ ધરણા પણ કર્યા છે. તેમ છતાં પણ આજ દિન સુધી રખડતા પશુઓનો કોઈ જ નિકાલ તંત્રએ આપ્યો નથી.
"અમારા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે જે લોકો જાહેરમાં ઘાસચારો વેચે છે, તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમારા દ્વારા આજ દિવસ સુધીમાં 20 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હજુ પણ આ કાયદાનો એકદમ ચુસ્તપણે અમલ થાય તેવું પોલીસનું ધ્યાન દોરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે."--નેહા પંચાલ (ડીસા પ્રાંત અધિકારી)
પશુઓનો અડીંગો:આજે ડીસા શહેરના તમામ જાહેર માર્ગો પર જ્યાં પણ નજર કરો ત્યાં રખડતા પશુઓ જોવા મળશે. ડીસા શહેરના મેન બજારમાં પણ જ્યાં ને ત્યાં રસ્તા વચ્ચે પશુઓ સવારથી જ પોતાનો અડીંગો જમાવી દેતા હોય છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ શહેરી વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પણ હવે પશુઓના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તરફ જાહેર રસ્તા ઉપર સવારથી જ લોકો ઘાસચારો વેચતા હોય છે. જેના કારણે મોટા પ્રમાણમાં ગાયો ઘાસ ખાવા માટે રોડ પર એકત્રિત થતી હોય છે. તેના કારણે પણ અવારનવાર લોકો પશુઓના અડફેટે આવતા હોય છે.
ડીસાના લોકોની માંગ: આ બાબતે ડીસાના જાગૃત નાગરિકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, " ડીસામાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. તો આજ દિવસ સુધીમાં કેટલાય લોકોના મોત પણ નીપજ્યા છે. કેટલાક લોકો અડફેટે આવી અને નાની મોટી ઇજાઓ પહોંચી છે. ત્યારે અમારી આ સરકારને નમ્ર વિનંતી છે કે ડીસામાંથી રખડતા પશુઓ પર તાત્કાલિક એક્શન લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે".
વાહનચાલાકોનો ભારે મુશ્કેલી ગૌશાળામાં રખડતા પશુઓ નહીં: ગૌશાળામાં આ તમામ પશુ રાખવા માટે તૈયાર છે. પરંતુ તેની સામે પશુઓને કોઈ જ ખર્ચ આપવા પાલિકા તૈયાર નથી. જેના કારણે ગૌશાળા સંચાલકો પણ રખડતા પશુઓને રાખવા માટે તૈયાર નથી. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હાલ ડીસા શહેરી વિસ્તારના લોકો રખડતા પશુઓના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે હાલ તો સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે રખડતા પશુઓનો નિકાલ કરવામાં આવે.
- Dumas Beach : ખાખી પાછળ ધબકતું હૃદય, ડુમસ બીચ પર ઇજાગ્રસ્ત ઊંટ-ઘોડા જોઈને પોલીસે સારવાર અપાવી
- Slaughterhouse : જીવદયા પ્રેમી અને પોલીસે કતલખાને લઈ જવાતા 150 પશુઓને મોતના મુખમાંથી બચાવ્યા