બનાસકાંઠા: વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસને સંપૂર્ણ નાબૂદ કરવા માટે સમગ્ર દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરી લોકોને ઘરમાં જ રહેવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જણાવ્યું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમજ અહીં એશિયાની સૌથી મોટી બનાસડેરી આવેલી છે. દૂધ અતિ આવશ્યક ચીજવસ્તુઓમાં આવતું હોવાના કારણે તેને ખરીદી અને વેચાણ પર છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ગામડાઓમાં આવેલી ડેરીઓમાં વહેલી સવારે અને સાંજે દૂધ ભરાવવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગતી હોય છે. તેવામાં ભીડભાડના કારણે કોરોના વાયરસ ફેલાવવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે, ત્યારે ડેરીના સંચાલકો દ્વારા દૂધ ભરવા માટે આવતા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા દૂધની ડેરીમાં કરાઈ વ્યવસ્થા
સમગ્ર દેશભરમાં જ્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દૂધની ડેરીઓ પર દૂધ ભરાવા આવતા ગ્રાહકો માટે સોશિયલ ડિસ્ટન્સ રહે તે માટેની ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
ડીસા તાલુકાના વાસડા ગામે આવેલી દૂધ મંડળી માં સવાર અને સાંજે 300 જેટલા ગ્રાહકો દૂધ ભરાવવા માટે આવતા હોવાથી ટોળું જાય છે, પરંતુ આ મંડળીના સંચાલકોએ લોકડાઉનની જાહેરાત થતાં જ ગ્રાહકોને માસ્કનું વિતરણ કર્યું અને મંડળી આગળ એક એક મીટર દૂર સર્કલ બનાવવામાં આવ્યા છે. જેથી એક પછી એક ગ્રાહકો એ સર્કલમાં વારાફરથી આવીને દૂધ ભરાવી શકે, મંડળીમાં પ્રવેશતા પહેલા તમામ ગ્રાહકોના હાથ પણ સાબુથી ધોવડાવી સેનેટાઇઝ કરવી દેવામાં આવે છે.
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપેલા લોકડાઉનને બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની મંડળીઓમાં ચુસ્ત પણે અમલ થઈ રહ્યો છે અને દૂધ ભરાવવા માટે આવતા તમામ ગ્રાહકો પણ માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી સાવચેતી રાખી રહ્યા છે, ત્યારે તમામ લોકો જો આ રીતે નિયમોનું ચુસ્ત પાલન કરશે તો ચોક્કસ ૨૧ દિવસમાં કોરોના વાઇરસને માત આપી શકાશે.