- નગરપાલિકાના ગત ટર્મના પ્રમુખ વિસ્તારમાં લોકોનો વિરોધ
- લોકો 50 વર્ષથી રહે છે ગંદા પાણી અને રસ્તા વગર
- આગામી સમયમાં કામ નહીં થાય તો મતદાન ન કરવાની સ્થાનિક લોકોની ચીમકી
બનાસકાંઠા: જિલ્લાના ડીસા શહેરમાં આવેલા વોર્ડ નંબર 5માં હનુમાન શહેરી તેમજ વણઝારા વાસ વિસ્તારના સ્થાનિક લોકો છેલ્લા 50 વર્ષથી અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં છેલ્લા 50 વર્ષથી 400થી પણ વધુ ઘર વસવાટ કરે છે અને ૮૦૦થી પણ વધુ શ્રમજીવી પરિવાર આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. છેલ્લાં ૫૦ વર્ષમાં નગરપાલિકાના અનેક કોર્પોરેટરો આ વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે પરંતુ એક પણ વિકાસના કામો આ વિસ્તારમાં કરવામાં આવ્યા નથી.
છેલ્લા 50 વર્ષમાં વિકાસના કામો થયા નથી
જ્યારે પણ નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે ત્યારે આ વિસ્તારમાં આવતા અનેક ઉમેદવારો વિકાસના કામો કરવાના બહાને મત માંગવા માટે આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ આ વિસ્તારમાંથી ચૂંટાયેલા ઉમેદવારો ગાયબ થઈ જાય છે આ વિસ્તારમાં છેલ્લાં ૫૦ વર્ષમાં ગટર તેમજ રસ્તાઓ જેવા એક પણ વિકાસના કામો કરવામાં આવ્યા નથી. જેના કારણે આ વિસ્તારના લોકો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
નગરપાલિકાના ગત ટર્મના પ્રમુખના વિસ્તારમાં લોકોનો વિરોધ
અગાઉ પણ આ વિસ્તારના લોકોએ કાયમી વસવાટ માટે નગરપાલિકાના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું અને નગરપાલિકા દ્વારા માત્ર વચન આપવામાં આવતા આખરે આંદોલન બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આ વાતને આજે વર્ષો વીતી ગયા પરંતુ આજદિન સુધી ડીસા નગરપાલિકા દ્વારા એક પણ કામ કરવામાં આવ્યા નથી. આ વિસ્તારમાં અનેક શ્રમજીવી પરિવારોના ઘર આવેલા છે અને તેમના ઘર આગળથી જ મોટી ખુલ્લી ગટર લાઈન પસાર થાય છે. જેના કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો અનેક સમસ્યાનો સામનો છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મળેલ એવોર્ડ પણ સફાઈના નામે શૂન્ય
પાંચ વર્ષમાં ડીસા નગરપાલિકામાં ભાજપે શાસન કર્યું હતું. જેમાં થોડા સમય અગાઉ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ડીસા નગરપાલિકા અને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો પરંતુ એવોર્ડના નામે ધજાગરા ઉડાવતો વોર્ડ નંબર 5. જ્યાં આ વિસ્તારમાં સફાઈના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે. ન તો ગંદા પાણીના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા કરવામાં આવી છે કે ન તો સાફ સફાઈ કરવામાં આવી છે. જીવન જરૂરિયાતની પ્રાથમિક વ્યવસ્થા પણ જેવી કે, સફાઇ પાણી અને રસ્તાથી આ વિસ્તારમાં વંચિત છે. વોર્ડ નંબર 5 માંથી ડીસા નગરપાલિકાના પ્રમુખ પણ ગત ટર્મમાં ચૂંટાઇ આવ્યા હતા.