બનાસકાંઠા જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં રવિ સિઝન દરમિયાન અન્ય ખેતપેદાશોની સાથે-સાથે રાજગરાની પણ વિપુલમાત્રામાં આવક નોંધાઇ રહી છે. દેશભરમાં રાજગરાના હબ તરીકે ડીસા માર્કેટયાર્ડનું નામ મોખરે છે, ત્યારે બનાસકાંઠા, ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.
ડીસાના રાજગરાની ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ માગ... બનાસકાંઠા જિલ્લામાં અને ખાસ કરીને ડીસા પંથકમાં રાજગરાના વધુ વાવેતરને કારણે ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની આવક વધારે રહે છે. ડીસાના ખેડૂતોની દીર્ઘદ્રષ્ટિ, કોઠાસૂજ અને વાવેતરની પદ્ધતિ સારી હોવાથી અન્ય રાજ્યો કરતા ડીસા પંથકમાં રાજગરાનો દાણો મોટો થાય છે. તેથી મોટાદાણાવાળા રાજગરાની માંગ વધારે હોવાથી અહીંના ખેડૂતોને પૂરતા ભાવો પણ મળી રહે છે.
ડીસા પંથકમાં થતા રાજગરાનો દાણો મોટો હોવાથી તેની માગ દેશ-વિદેશમાં પણ વધી રહી છે. જેથી અન્ય માર્કેટયાર્ડોમાં રાજગરાના ભાવ ડીસા માર્કેટયાર્ડના ભાવ આધારિત ખરીદ વેચાણ થાય છે. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું કે, સિઝન દરમિયાન રાજગરાની 80,000થી વધુ બોરી નોંધાય છે. જ્યારે ખેડૂતોને અન્ય માર્કેટયાર્ડ કરતાં સારો એવો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે.
દેશભરમાં ડીસા પંથકના રાજગરાની માગ વધી રહી છે. ડીસા-બનાસકાંઠાના રાજગરાનો દાણો મોટો હોવાથી 13 દેશોમાં પણ તેની નિકાસ કરવામાં આવે છે, રાજગરામાંથી કુલ 52 જેટલી વિવિધ પ્રોડક્ટ બને છે. ખાસ કરીને રાજગરામાં પ્રોટીન વધારે હોવાથી તેમાંથી બિસ્કીટ અને હાર્ટની દવાઓ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ થાય છે અને તેથી જ ડીસાનો રાજગરો વિવિધ 13 દેશોમાં નિકાસ થાય છે.
ઘણા ખેડૂતો પરંપરાગત ખેતી કરે છે, પરંતુ તેમાંથી પોષણક્ષમ ભાવો મળતા નથી અને તેમને આંદોલન કરવાની ફરજ પડે છે, પરંતુ જે ખેડૂતો થોડુંક અલગ વિચારી રાજગરા જેવી ખેતી તરફ વળ્યાં છે અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા થયા છે, તે ખેડૂતો અન્ય માટે પ્રેરણાદાયી બની રહ્યા છે.