બનાસકાંઠાઃ જિલ્લામાં સતત બે દિવસથી સોશિયલ મીડિયા ફરી રહેલા વાયરલ વીડિયોમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને લોકગાયક કિંજલ દવે બન્ને ઘોડા પર બેઠેલા જોવા મળે છે. જેમાં તેમની સાથે હજારો લોકોની ભીડ પણ જોવા મળે છે.
બનાસકાંઠામાં જાહેર વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા આ બાબતે આખરે તપાસ કરતા આ વીડિયો ડીસા તાલુકાના ડેડોલ ગામના હોવાનું સ્પષ્ટ થયું અને જ્યાં વર્ષો બાદ રોડ મંજૂર થતા ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને લોકગાયક કિંજલ દવેની હાજરીમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે સમયે બન્નેને આવકારવા ગ્રામજનો બે ઘોડા લાવ્યા હતા અને ઘોડા પર બેસાડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ રોડના ખાતમુહૂર્ત સમયે હજારો લોકો કિંજલ દવેને જોવા તેમજ ધારાસભ્યે વર્ષો બાદ રોડ મંજૂર કરતા એકઠા થયા હતા. જે બાદમાં ડેડોલ ગામમાં આવેલ બ્રહ્માણી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. જો કે, આ સમયે પણ આમ દર્શનાર્થીઓ અને ગ્રામજનોની ભીડ એકઠી થઈ જતા સોશિયલ ડિસ્ટન્સિગના ધજાગરા ઉડ્યા હતા.
આ બાબતે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને પૂછવામાં આવતા તેમને રોડનું ખાતમુહૂર્ત કરતા સમયે ચોક્કસ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં જ્યારે ગામમાં મંદિરમાં દર્શન અર્થે ગયા ત્યાં પૂનમનો સમય હોવાથી દર્શનર્થીઓની ભીડ હતી. આ સમયે મેં અને કિંજલ દવે બન્નેએ માસ્ક પહેર્યું હતું. આ સાથે લોકોને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ પણ કરી હતી. જે રોડનું ખાતમુહૂર્ત થયું છે, તે રોડ 70 વર્ષ બાદ બનતો હોવાથી લોકોમાં પણ ઉત્સાહ હતો અને જેના કારણે 28 ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જો કે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઇએ એ હું પણ માનું છું.
બનાસકાંઠામાં જાહેર વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા ઉલ્લેખનીય છે કે, વીડિયો વાયરલ થયા બાદ હવે ધારાસભ્યના સુર બદલાય છે અને લોકોને હવે સોશિયલ ડિસ્ટન્સ જણાવવાનું જણાવે છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવીએ પણ આ ઘટનાને વખોડી કાઢી હતી. આ દિનેશ ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં આમ પ્રજાને સોશિયલ ડિસ્ટન્સના નામે અને માસ્કના નામે હેરાન કરવામાં આવે છે. તેમના નેતાઓને કોઈ જ નિયમ કે કાયદો લાગુ પડતો નથી. આ અગાઉ સી. આર. પાટીલ આવ્યા ત્યારે પણ આમ જનતા ભેગી કરતા કોરોના સંક્રમણમાં વધારો થયો હતો, એટલે કાયદો આમ પ્રજા માટે છે ભાજપના નેતાઓ માટે નથી.
આ વાયરલ વીડિયોમાં ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને લોકગાયક કિંજલ દવે બન્ને ઘોડા પર ચડેલા નજરે પડે છે, જ્યારે હજારો લોકો તેમની સાથે જતા જોવા મળી રહ્યા છે. જો કે, આ સ્વાગતનો વરઘોડો કે પછી કોરોનાને આમંત્રણ આપતો વરઘોડો એ આવનારા સમયમાં ખબર પડશે.