- બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોમાં કુપોષણની સંખ્યામાં વધારો
- સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા આદિવાસી વિસ્તારમાં જોવા મળી
- માતા-પિતાની ભૂલના કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો
બનાસકાંઠા- ગુજરાતમાં નાના બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે સરકાર દ્વારા વર્ષે લાખો, કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આજે પણ સરહદી બનાસકાંઠા જિલ્લામાં કુપોષણની માત્રામાં ઘટાડો થવાના બદલે સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક વર્ષમાં કુપોષણની સંખ્યામાં ચાર ગણાનો ચોંકાવનારો વધારો થવા પામ્યો છે.
5692 બાળકો તો અતિ કુપોષણ હેઠળ પીડાઇ રહ્યા છે
બનાસકાંઠામાં ગત વર્ષે 6366 બાળકો કુપોષિત નોંધાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 23952 બાળકો કુપોષિત નોંધાયા છે. જેમાં 5692 બાળકો તો અતિ કુપોષણ હેઠળ પીડાઇ રહ્યા છે. જેમાં દૂધ સંજીવની યોજના ધરાવતા દાંતા તાલુકામાં સૌથી વધુ 1379 બાળકો કુપોષણગ્રસ્ત હોવાના આંકડા નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં સતત કુપોષણ બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત કુપોષિત બાળકો ધરાવતા વિસ્તારોમાં મુલાકાત કરવામાં આવતી હોવા છતાં મહિલાઓ સમયસર આરોગ્ય વિભાગની સુવિધા લેતી નથી. જેના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
આદિવાસી વિસ્તારમાં કુપોષણ બાળકોની સંખ્યામાં વધારો
નાના બાળકોની આરોગ્ય સુખાકારી માટે અને તેમને કુપોષણથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના પાછળ વર્ષે દહાડે લાખો, કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાં જવાબદાર તંત્રની ક્યાંક ઉણપને લઈ બનાસકાંઠામાં કુપોષણનું દુષણ ટળવાનું નામ લેતું નથી. જેમાં વનવાસી અને સરહદી વિસ્તાર ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં અનેક બાળકો કુપોષણમાં પીડાઈ રહ્યા છે.
બાળકોને કુપોષિત બનાવવા માટે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરાય છે
બાળકોનો વિકાસ રુંધતી કુપોષણની બીમારી સામે બાળકોને સુરક્ષા કવચ પુરું પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે તેમજ બાળકોને કુપોષિત બનાવવા માટે અન્નપ્રાશન દિવસની ઉજવણી કરવામાં આવે છે અને છ થી નવ માસના બાળકોને રાબ અને શીરો અપાય છે તેમજ આંગણવાડીઓમાં બાળકોને ગરમ નાસ્તો, ભોજન અને ફ્રુટ તેમજ દૂધ સંજીવની યોજના હેઠળ દૂધ આપવામાં આવે છે તેમજ સગર્ભા અને ધારી માતાઓને 200 એમ.એલ. દૂધ અતિ ઓછા વજનવાળા બાળકોને ઘરે જઈ કેલેરી પ્રોટીન સભર લાડુ આપવા સહિતના અનેક પોષણક્ષમ લાભો આપવામાં આવે છે.
મોટાભાગની મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે કુપોષિત બાળકો જન્મ લે છે
ખાસ કરીને બનાસકાંઠાના આદિવાસી વિસ્તાર ગણાતા દાતા, અમીરગઢ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત આ વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થાય તે માટે વધુમાં વધુ તેમને સરકારી સહાય આપવામાં આવે છે, પરંતુ આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે અને મોટાભાગની મહિલાઓ વ્યસન કરતી હોવાના કારણે સતત કુપોષિત બાળકો જન્મ લે છે તો બીજી તરફ સમયસર જન્મતાની સાથે જ આ વિસ્તારની મહિલાઓ પોતાના બાળકોને દૂધ ન આપતી હોવાના કારણે સતત કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
દાંતા વિસ્તારમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો