- બનાસડેરીમાં દૂધની આવકમાં વધારો
- એક જ દિવસમાં 82 લાખ લીટર દૂધની થઈ આવક
- અન્ય રાજ્યોમાં દૂધનું સપ્લાય ચાલુ કરાયું
બનાસકાંઠાઃ જિલ્લો એ ખેતી સાથે પશુપાલન સાથે પણ જોડાયેલો જિલ્લો છે. ખાસ કરીને જિલ્લામાં પહેલા સૌથી વધુ ખેડૂતો ખેતી કરતા હતા, પરંતુ વારંવાર ખેતીમાં થતાં નુકસાનના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી કરતા વધુ પશુપાલન તરફ વળ્યા છે. બીજી તરફ એશિયાની નંબર વન ડેરી બનાસડેરી પણ જિલ્લામાં આવેલી હોવાના કારણે જિલ્લાના પશુપાલકોને દૂધમાં સારા ભાવ મળી રહ્યા છે. આમ જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલાઓને મોટી આવક થઈ રહી છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ પશુમાંથી દૂધ ભરાતા બનાસકાંઠા જિલ્લાની 10 જેટલી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લો છેલ્લા બે-ત્રણ વર્ષથી પશુપાલન ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.
બનાસડેસરીમાં એક જ દિવસમાં વિક્રમ જનક દૂધની આવક
જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમી બનાસડેરીમાં એક જ દિવસમાં વિક્રમ જનક 82 લાખ લિટર દૂધની આવક થઇ છે. ૫૫ લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતી બનાસડેરીમાં દૂધનો અવેર અને વેચાણ કરવાની પડકાર જનક સ્થિતિ સર્જાય છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે સંયોજિત રાજ્યની તમામ ડેરીઓનું દૂધ સંપાદન દૈનિક 2.25 કરોડ લીટર છે. જેમાં માત્ર બનાસ ડેરીનું દૂધ સંપાદન 82 લાખ લીટર થયું છે, ત્યારે બનાસડેરી પણ તેના દૂધ ઉત્પાદકો માટે મિલ્ક હોલીડે ન રાખવો પડે તે માટે તે પ્રમાણે પડકાર જનક સ્થિતિમાં દૂધનો અવેર કરી રહી છે. બનાસડેરીમાં 1000 ટેન્કરો મારફતે દૂધનું વહન થઈ રહ્યુ છે અને દૂધની આવક વધતા વધારે દૂધ રાધનપુર તેમજ ખીમાણા દૂધ શીત કેન્દ્ર પર કાર્યરત કરીને દૂધના જથ્થાને મેળવીને બહારની ડેરીઓને પણ દૂધનો પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે.