- જિલ્લામાં વધતા જતા કોરોના સામે દૂધના વ્યવસાયને અસર ન થાય તે માટે બનાસડેરીની તૈયારી
- જિલ્લામાં કોરોનાની તમામ વ્યવસાય પર અસર
- પશુપાલકો પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે દૂધ ભરાવા જઈ રહ્યા છે
બનાસકાંઠાઃવૈશ્વિક કોરોના મહામારીમાં બનાસકાંઠા જિલ્લામાં નવેસરથી વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા બનાસ ડેરીએ સુચારુ વ્યવસ્થા ગોઠવીને પ્રાથમિક દૂધ મંડળીથી લઈને બનાસડેરીના તમામ વિભાગો સુધી કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ કામ ચાલે તે પ્રમાણેનું આયોજન ગોઠવાયું છે. બનાસ ડેરી સાથે સંયોજિત તમામ દૂધ મંડળીઓમાં સેનિટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે મંડળી કક્ષાએ પૂરતી તકેદારી સાથે દૂધનું સંપાદન થઇ રહ્યું છે. તમામ મંડળીઓને ડિજિટલી જોડાણ કરીને તેમના પર સંઘ કક્ષાએથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. એ જ પ્રમાણે બનાસ ડેરી ખાતે પણ પાલનપુર સહિતના તમામ પ્લાન્ટ જેવા કે કાનપુર, લખનૌ, ફરીદાબાદ અને નાના-નાના ચીલિંગ સેન્ટરો પર પણ કોવિડ-19ની માર્ગદર્શક સૂચનાઓ મુજબ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ કોરોના વાઇરસની લડાઈમાં બનાસડેરીએ PM ફંડમાં કર્યું રૂપિયા 7.14 કરોડનું દાન
થર્મલ ચેકિંગ, હેન્ડ સેનિટાઇઝ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે
આ તમામ પ્લાન્ટના મુખ્ય ગેટ પર થર્મલ ચેકિંગ, હેન્ડ સેનિટાઈઝેશન, માસ્ક, હ્યુમન સેનિટેશન ટનલ સાથે જ પ્રવેશ આપીને કર્મચારીઓને પણ અલગ-અલગ સમયની શિફ્ટ ડ્યૂટી આપીને સોશિયલ ડિસ્ટન્સિંગથી કામ કરે તેવો પ્રબંધ ગોઠવવામાં આવ્યો છે. બનાસડેરીમાં આવતા જતા વાહનો પણ સેનિટાઈઝર થઈને ડેરીમાં પ્રવેશ કરે તે માટે વ્હિકલ સેનિટેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ ગ્રામ્ય સ્તરેથી લઈને બનાસડેરીના વિવિધ પ્લાન્ટ્સ સુધી વ્યવસ્થા ઊભી કરીને કોરોના સંક્રમણને અટકાવવા બનાસ ડેરીએ જરૂરી પગલાં લઇ દૂધના વ્યવસાયમાં પશુપાલકો અને દૂધના વપરાશ કર્તાઓને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રમાણેની કવાયત હાથ ધરી છે.
એશિયાની સૌથી મોટી બનાસડેરી
વૈશ્વિક મહામારી એવા કોરોના વાઇરસને સંપૂર્ણ નાબૂદ કરવા માટે બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર દેશભરમાં હાલ સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના લોકો મુખ્યત્વે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અહીં એશિયાની સૌથી મોટી બનાસડેરી આવેલી છે. વળી દૂધ એ અતિ આવશ્યક ચીજવસ્તુઓમાં આવતું હોવાના કારણે તેને ખરીદી અને વેચાણ પર છૂટછાટ આપવામાં આવી છે પરંતુ ગામડાઓમાં આવેલી ડેરીઓમાં વહેલી સવારે અને સાંજે દૂધ ભરાવવા માટે ગ્રાહકોની લાંબી કતારો લાગતી હોય છે. આમ ભીડભાડના કારણે કોરોના વાઇરસ ફેલાવવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે ત્યારે ડેરીના સંચાલકો દ્વારા દૂધ ભરવા માટે આવતા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.