ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર નગરપાલિકામાં પ્રમુખનો તાજ હેતલબેન રાવલના શિરે - BJP

બનાસકાંઠા જિલ્લાની સહુથી મોટી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી બાદ આજે પાલિકાના સભ્યોની પ્રથમ બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ પદે ભાજપના મહિલા સભ્ય હેતલબેન રાવલ અને ઉપપ્રમુખ પદે હસમુખભાઈ પઢીયારને 44માંથી 32 વોટ મળતાં તેઓ બહુમતીથી ચૂંટાઈ આવ્યાં હતાં.

પાલનપુર નગરપાલિકામાં પ્રમુખનો તાજ હેતલબેન રાવલના શિરે
પાલનપુર નગરપાલિકામાં પ્રમુખનો તાજ હેતલબેન રાવલના શિરે

By

Published : Mar 15, 2021, 8:34 PM IST

  • પાલનપુર નગરપાલિકામાં ફરીથી ભાજપનું શાસન
  • તાજેતરની ચૂંટણીમાં 44માંથી 32 સીટો પર થયો હતો વિજય
  • આજે યોજાઇ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી
  • મહિલા અનામત સીટ હોવાથી હેતલબેન રાવલ પ્રમુખ પદે ચૂંટાયાં
    વિજેતા પ્રમુખ-ઉપપ્રમુખને અન્ય સભ્યોએ ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી

પાલનપુર: સમગ્ર ગુજરાતમાં 28 ફેબ્રુઆરીએ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરની નગરપાલિકામાં પણ ભાજપનો ભવ્ય વિજય થતાં આજે 15 માર્ચે પ્રાંત અધિકારી શિવરાજ ગિલવાની અધ્યક્ષતામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસે પ્રમુખ પદ માટે જાગૃતિબેન સોલંકી અને ઉપપ્રમુખ પદ માટે મહંમદભાઈ રસુલભાઈ મન્સૂરીનું નામ રજૂ કર્યું હતું. જ્યારે ભાજપ તરફથી હેતલબેન ગિરીશભાઈ રાવલને પ્રમુખપદ માટે અને હસમુખભાઈ મોહનભાઇ પઢીયારને ઉપપ્રમુખ પદ માટેનું મેન્ડેટ પક્ષના સભ્યોએ રજૂ કર્યું હતું. જે સંદર્ભે સભ્યોએ મત આપતાં ભાજપના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની તરફેણમાં 44માંથી 32 મતો પડ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના મહિલા પ્રમુખના દાવેદાર જાગૃતિબેન સોલંકી અને ઉપપ્રમુખ માટે મહંમદ રસુલભાઈ મન્સૂરીને મેન્ડેટ અપાતાં તેઓને માત્ર 12 વોટ જ મળતાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યાં હતાં. વિજેતા પ્રમુખ-ઉપપ્રમુખને અન્ય સભ્યોએ ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં વિવાદિત પત્રિકા અંગે આરોપીના જામીન મંજૂર

નગરપાલિકાના ઇતિહાસમાં મોટી જીત

પાલનપુર નગરપાલિકામાં ભાજપ 2010થી સતત સત્તાસ્થાન પર છે. 2015માં ભાજપ કોંગ્રેસ વચ્ચે બરાબરની ટક્કર જામી હતી અને કોંગ્રેસને 21 સીટો જ્યારે ભાજપને 23 સીટો મળી હતી. પરંતુ આ વખતે ભાજપે જબરજસ્ત પ્રદર્શન કરતાં 44માંથી 32 બેઠકો જીતી ઇતિહાસ સર્જ્યો છે. સીમાંકન બદલાયા બાદ પાલનપુર નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત જ કોઈ પક્ષને આટલી મોટી જીત પ્રાપ્ત થઈ છે.

પ્રમુખ-ઉપપ્રમુખની જવાબદારી શાસનનો અનુભવ ધરાવનારને અપાઈ

પાલનપુર પાલિકામાં અઢી-અઢી વર્ષે પ્રમુખ-ઉપપ્રમુખનું શાસન બદલાય છે. આ વખતે પ્રથમ અઢી વર્ષ મહિલા સામાન્ય સીટ અનામત છે. તેથી મહિલા સદસ્યા હેતલબેન ગિરીશભાઈ રાવલને પ્રમુખપદ મળ્યું છે. જેઓ 44માંથી 32 મતો મેળવી વિજયી થયાં છે. તેઓની રાજકીય સફરની વાત કરીએ તો ગત ટર્મમાં તેઓ પાલિકાના ઉપપ્રમુખ પદે રહી ચૂક્યાં છે. એક નિર્વિવાદિત અનુભવી મહિલા પર ભાજપે સુકાની તરીકે પસંદગી ઉતારી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે ગત ટર્મમાં શાસક પક્ષના નેતા એવા હસમુખભાઈ મોહનભાઇ પઢીયારને જવાબદારી સોંપાઈ છે.

આજે વરણી કરાયેલાં હોદ્દેદારો

1)હેતલબેન ગિરીશભાઈ રાવલ-પ્રમુખ
2)હસમુખભાઈ મોહનભાઇ પઢીયાર-ઉપપ્રમુખ
3)દીપકભાઈ મૂલચંદભાઈ પટેલ-કારોબારી ચેરમેન
4)હર્ષાબેન અશોકભાઈ મહેશ્વરી-શાસક પક્ષના નેતા
5)નરેશભાઈ મોતીભાઈ માજીરાણા- પક્ષના દંડક

ABOUT THE AUTHOR

...view details