અંદ્ધશ્રદ્ધાને પગલે બિમાર બાળકોને ડામ આપવાની પ્રથા વર્ષો પુરાણી છે. જો કે, આટલા વર્ષોમાં તબીબો દ્વારા જાગૃતિ અંગેના હજારો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, તેમ છતાં પણ વારંવાર આવી ઘટનાને પગલે તંત્રની કામગીરી અંગે અનેક સવાલ ઉભા થાય છે.
રાજસ્થાનને અડીને આવેલા અંતરિયાળ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ બને છે. વાવ તાલુકામાં પણ એક અઠવાડિયાના એક બાળકને ડામ આપ્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમ છતાં પણ આવી ઘટનાઓ હજુ થોભવાનું નામ લેતી નથી. ત્યારે આજે લાખણી તાલુકાના ગણતા ગામમાં પણ 7 માસની બાળકીને ડામ આપવાની ઘટના સામે આવતા તંત્રમાં હાહાકાર મચ્યો છે.
લાખણી તાલુકાના ગણતા ગામમાં રહેતા દલાજી ઠાકોરની 7 મહિનાની દિકરીને અઠવાડિયા અગાઉ ડરી ગઈ હતી. જેથી તેનો ડર દૂર કરવા માટે તેના પરિવારજનો તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ગામના જ એક ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં ભુવાએ અંધશ્રદ્ધાના કારણે આ બાળકના પેટ પર ત્રણ થી ચાર જગ્યાએ લોખંડના સળીયા વડે ડામ આપ્યા હતા.
7 માસની બાળકીના પેટ પર અપાયા ડામ અંતે સાજી થવાના બદલે બાળકી વધુ બીમાર પડી હતી. ત્રણ-ચાર દિવસ સુધી બાળકીની તબિયત ન સુધરતા તેને સારવાર માટે થરાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તેની હાલત વધુ નાજુક જણાતાં, તેણીને વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.