પાલનપુરના મીરા ગેટ વિસ્તારમાં આવેલ બગીચો માત્ર કોરા કાગળ પર બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ બગીચો હાલ લોકો માટે માત્ર કચરો નાખવા માટે ઉપયોગી છે. એક વર્ષ અગાઉ પાલનપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચો આ બગીચાના નિર્માણ માટે કરાયો હતો. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ યોજના હેઠળ દર વર્ષે નગરપાલિકાઓમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ જેતે અધિકારીઓ દ્વારા આ ગ્રાન્ટના પૈસા વિકાસ માટે વાપરવાને બદલે પોતાના ખિસ્સા ગરમ કરવામાં આવતા હોય છે.
પાલનપુરમાં બગીચો બિસ્માર સ્થિતિમાં, નગરપાલિકાનો લાખોનો ખર્ચ કાગળ પર સિમિત
બનાસકાંઠાઃ વિકાસના નામે ફાળવવામાં આવતી ગ્રાન્ટોથી ક્યાંક સત્તાધીશો તો ક્યાંક કોન્ટ્રાક્ટર અને વહીવટી અધિકારીઓના ખિસ્સા ગરમ થતાં હોય છે. આવો જ એક કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. શહેરમાં આવેલ એક બગીચા માટે પાલિકા દ્વારા લાખોનો ખર્ચો ફાળવ્યા બાદ પણ બગીચાની હાલત અત્યંત બિસ્માર છે. ત્યારે આ અંગે અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની લોકમાંગણી પ્રબળ બની છે.
પાલનપુર મીરા ગેટ પાસે આવેલ બગીચાનું લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું છે. આ વિસ્તાર શ્રમજીવી લોકો વસતા હોવાથી તેમના બાળકો ત્યાં રમી શકે અને તેઓ હળવાશની પળો માણી શકે તે હેતુસર આ બાગ બનાવાયો હતો.
પરંતુ ખૂબ જૂજ સમયમાં આ બગીચાની હાલત બિસ્માર બની છે. બગીચાના સાધનો તૂટી ગયા છે. જ્યારે વૃદ્ધો અને લોકોના ચાલવા માટે બનાવાયેલ ટ્રેક પણ બિનઉપયોગી બન્યો છે. અહીં બાંકડા પણ તૂટી ગયા છે. એકતરફ વડાપ્રધાન સ્વચ્છતા માટે અવનવા પ્રયત્નો કરી રહ્યાં છે, ત્યારે આ બગીચાને જોતા એવું દેખાઈ રહ્યું છે જાણે પાલનપુર નગરપાલિકાને સ્વચ્છતા અંગે કોઈ જાગૃતતા કેળવવી જરૂર વર્તાઈ નથી. અહીંના સ્થાનિકો સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતુ કે, પાલનપુર નગરપાલિકા દ્વારા સુંદર બગીચો બનાવવવામાં આવ્યો હતો, પરંતુ સારસંભાળના અભાવે એક જ વર્ષમાં બગીચાની હાલત અત્યંત દયનીય બની છે. ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયુ છે. જેને લીધે અહીંયા અમે અમારા બાળકોને રમવા પણ મોકલી શકતા નથી. અહીં દારૂડિયાઓનો પણ ત્રાસ રહે છે. એટલે લાખો રૂપિયાના ખર્ચા બાદ પણ નગરપાલિકાનો આ બગીચો બિનઉપયોગી બની ગયો છે.