બનાસકાંઠાઃ જિલ્લાના વડગામ અને પાલનપુરમાં પાણીની સમસ્યા હલ કરવા માટે મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં નર્મદાનું પાણી નાખવા માટે બુધવારે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ જો ટૂંક સમયમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ યુવા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.
જિલ્લામાં સૌથી મોટી સમસ્યા પાણીની છે, દર વર્ષે અહીં પાણીના તળ ઉંડા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જિલ્લાના સરહદી વિસ્તાર અને વડગામ તાલુકામાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત થઈ ગયા છે.
બનાસકાંઠાના વડગામ અને પાલનપુરમાં પાણીની સમસ્યા હલ કરવા ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર વડગામમાં લોકોને સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે મુક્તેશ્વર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી વડગામ તાલુકાના ગામોને તેનો લાભ મળી શક્યો નથી, અહીં જલોત્રા ગામ પાસે 600 એકરમાં ફેલાયેલું કરમાવત તળાવ પણ આવેલું છે અને તે પણ કોરું ધાકોર છે. છેલ્લા બે વર્ષથી વરસાદ પણ નહિવત થતો હોવાના કારણે ડેમ કે તળાવ ભરાતા નથી અને તેના કારણે આજુબાજુના 150થી પણ વધુ ગામને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે બુધવારે વડગામના યુવા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નર્મદાના નીરથી મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવ ભરવામાં આવે તો વડગામ અને પાલનપુરના તાલુકામાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ રજૂઆત કરી છે.
દિવસેને દિવસે પાણીના તળ ઉંડા જતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પણ પૂરતું મળતું નથી ત્યારે તાત્કાલિક નર્મદાનું પાણી ડેમ અને તળાવમાં નાખવામાં આવે તો અહીંયા ખેડૂતોની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. અગાઉ અનેક રાજકીય નેતાઓએ આશ્વાસનો આપ્યા હોવા છતાં આજદિન સુધી અહીંના લોકોને પાણીની સમસ્યાનું હલ ન આવતા લોકો હવે કંટાળ્યા છે અને જો સરકાર ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ તળાવ અને ડેમ નર્મદાના નીરથી નહિ ભરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
વડગામમાં દિવસેને દિવસે પાણીની તીવ્ર અછત સર્જાતા હવે ખેડૂતોની સહનશક્તિનો અંત આવી ગયો છે. ત્યારે સરકાર હવે ખેડૂતોની સમસ્યા હલ કરવાનો પ્રયાસ નહીં કરે તો આગામી સમયમાં ખેડૂતો સરકાર સામે આંદોલન કરે તો નવાઈ નહીં.