- 2 વર્ષથી પાણી ન મળતાં ખેડૂતોમાં રોષ
- એસ્ટિમેન્ટ મુજબ કેનાલ બનાવી નથી : ખેડૂતોના આક્ષેપો
- ઉચ્ચસ્તરે ટીમે સ્થળની મુલાકાત કરી હતી, પરંતુ પરિણામ શૂન્ય
બનાસકાંઠા : જિલ્લાના સરહદી વિસ્તારમાં સરકારે કેનાલો બનાવી છે. જો કે ખેડૂતોએ કેનાલમાં પાણીમાં છે. એવી આશાએ મોંઘા ભાવના બિયારણ તેમજ ખેડ કરીને વાવેતર કર્યું છે. થરાદ તાલુકાના સાબા ગામના ખેડૂતોને સિંચાઇનું પાણી ન મળતા રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ વારંવાર જવાબદાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં ગત બે વર્ષથી નિયમિત પાણી મળતું નથી. જેને લઇને બુધવારે નર્મદા વિભાગ થરાદમાં અને નાયબ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.
સરહદી વિસ્તારની કેનાલો કેવી રીતે બનાવી, નિતી-નિયમો શું હોય છે...?
કેનાલના એસ્ટિમેન્ટ મુજબ કેનાલોનું લેવલિંગ જળવાવું જોઈએ. કેનાલની બાજુમાં પૂરતી માટી નાખવાની હોય છે પૂરતા પ્રમાણમાં નિયમ મુજબ લોખંડ-સિમેન્ટ સહિત કપચી વાપરવી પડે. કામ પૂર્ણ થયા બાદ પાણીનો છંટકાવ કરવો પડે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલો બનાવવામાં નીતિ-નિયમો નેવે મૂકીને કોન્ટ્રાકટરોએ કેનાલના કામમાં લેવલીંગ જાળવ્યા વગર આડેધડ ખોદકામ કરી હલકુ મટિરિયલ સહિત ઓછું લોખંડ વાપરી કેનાલના કામો કરવામાં આવ્યા છે. પૂરતા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો નથી, જેને લઇને છેડે પાણી પહોંચે તે પહેલાં કેનાલોમાં ગાબડાં પડી રહ્યાં છે.