- 11 જાન્યુઆરીથી શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઇ
- શાળા સંકુલની સાફ સફાઈ સાથે વર્ગોને સેનેટાઇઝ કરાયા
- સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી એકવાર શિક્ષણ કાર્ય શરૂ થયું
અંબાજીઃ કોરોના મહામારીને લઈ થયેલા લોકડાઉનના 9 મહિના અને 22 દિવસ બાદ ફરી એકવાર 11 જાન્યુઆરીથી શૈક્ષણિક સંસ્થાઓ ધમધમતી થઇ છે. સરકાર દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવાના નિર્ણય બાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થયું છે.
અંબાજીમાં શૈક્ષણિક કાર્ય શરૂ
અંબાજી વિસ્તારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરાતા શાળાના પ્રાંગણમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી. જોકે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પૂર્વે શાળા સંકુલની સાફ સફાઈ સાથે વર્ગોને સેનેટાઇઝ કરાયા હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માસ્ક સાથે સેનેટાઇઝ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ગ ખંડમાં પણ એક બેન્ચ ઉપર એક માત્ર વિદ્યાર્થી બેસાડી કોવિડ 19 ના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરી એક વાર શિક્ષણ કાર્ય શરૂ થયું હતું.