- બનાસકાંઠા જિલ્લામાં કૃષિ બિલને લઇને માર્કેટયાર્ડોમાં નુકસાન
- ડીસા એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં શેષની આવકમાં ઘટાડો
- શેષની આવકમાં ઘટાડો થતા માર્કેટ યાર્ડ બંધ થવાના આરે
બનાસકાંઠાઃ જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લામાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં વધુને વધુ ઉત્પાદન મેળવતા બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકાઓને જોડતા માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યાં હતા, જેના કારણે જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરમાંથી પાક સીધો માર્કેટ યાર્ડમાં વેચી આવક મેળવતા હતા. પરંતુ હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલને લગતા નવા કાયદા અમલમાં મૂકવામાં આવ્યાં છે, જેનો વિરોધ સમગ્ર ભારતમાં ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ નવા કાયદાની અસર જિલ્લાના માર્કેટ યાર્ડ ઉપર જોવા મળી રહી છે. ખેડૂતોએ માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચવાનું બંધ કરતા હાલમાં માર્કેટ યાર્ડને મોટું નુકસાન થવા જઈ રહ્યું છે.
ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોની સંખ્યામાં ઘટાડો
કેન્દ્ર સરકારના વટહુકમ બાદ દેશમાં નવા ત્રણ કૃષિ કાયદા અમલમાં આવ્યાં છે. જે પૈકીનો એક કાયદો એપીએમસીને લાગુ પડતો હતો. સરકારે આપેલા નવા કાયદાથી કોઇપણ વેપારી માર્કેટની પરવાનગી વિના અને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યાં વિના ખેડૂત પાસેથી સીધો માલ ખરીદી શકશે. જેની અસર અત્યારથી જ માર્કેટયાર્ડ પર થવા લાગી છે બનાસકાંઠા ખેતી આધારિત જિલ્લો છે, અહીં તમામ તાલુકામાં એપીએમસીથી કાર્યરત છે. મુખ્ય એપીએમસીની વાત કરવામાં આવે તો ડીસામાં એપીએમસીમાં નવા કાયદાના અમલ બાદ જ માર્કેટયાર્ડની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.