બનાસકાંઠા : આકાશ તરફ નજર માંડી બેઠેલા ખેડૂતોની ચિંતા વધી ગઇ છે. કારણકે મેઘરાજાએ એન્ટ્રી કર્યા બાદ હવે સતત ગેરહાજરી નોંધાવી છે. હવે વરસાદ ખેંચાઇ જતા વાવણી કરી ચૂકેલા આ ખેડૂતોને તેનું બિયારણ નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.
જિલ્લામાં વરસાદ વિના ખેડૂતો પરેશાન ગુજરાતમાં એક તરફ કોરોના વાઇરસના કારણે ખેડૂતોને ચાલુ વર્ષે મોટું નુકસાન થયું છે. કોરોના વાઇરસમાં આપવામાં આવેલા અઢી મહિનાના લોકડાઉનમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ ખેડૂતોની થઈ હતી. કોરોના વાઇરસના લોકડાઉનમાં ખેડૂતોનું અનાજ અને શાકભાજી બજારોમાં ન જતા મોટું નુકસાન થયું હતું. જે બાદ લોકડાઉન ખુલ્યા બાદ ખેડૂતોને છૂટછાંટ આપવામાં આવતા ખેડૂતોને પોતાનું વધેલું અનાજ અને શાકભાજી વેંચ્યા હતા. જે બાદ સારા વરસાદની આશાએ ફરી ખેડૂતોએ મોંઘાડાટ બિયારણો લાવી ફરી ચોમાસુ વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતને જાણે ખેડૂતની આ વર્ષે ખરી પરીક્ષા લેવી હોય તેવું લાગી રહ્યું છે. અષાઢ મહિનામાં દર વર્ષે વરસાદની સારી શરૂઆત થતા ખેડૂતોમાં સારા પાક થતો હોવાથી ખુશી જોવા મળતી હતી, પરંતુ આ વર્ષે શ્રાવણ મહિનો નજીક આવ્યો હોવા છતાં હજુ સુધી ક્યાંય વરસાદ જોવા મળતો નથી, ત્યારે ફરી એકવાર ખેડૂતોને વરસાદ વગર પાકના નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.
જિલ્લામાં વરસાદ વિના ખેડૂતો પરેશાન જિલ્લામાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી એક પછી એક કુદરતી આફતોના મારથી મોટું નુકસાન વેઠવી રહ્યા છે, ત્યારે હાલ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ક્યારે મહેરબાન થશે તેની વાટ ખેડૂતો જોઈ રહ્યા છે. જિલ્લામાં મેઘરાજાએ એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા અને તમામ તાલુકાઓમાં પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ વાવણી કરી દીધી હતી, પરંતુ ત્યારબાદ હવે વરસાદ ખેંચાઇ રહ્યો છે.
જિલ્લામાં વરસાદ વિના ખેડૂતો પરેશાન ખેડૂતોને હવે ભય સતાવી રહ્યો છે કે જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ગત્ત વર્ષ જેવી કફોડી સ્થિતી સર્જાશે. હાલમાં ખેડૂતોએ મગફળી, બાજરી, એરંડા, કપાસ અને ગુવાર જેવા પાકોનું સારા વરસાદની આશાએ વાવેતર કરી દીધું છે, પરંતુ છેલ્લા 20 દિવસથી વરસાદનું ટીપું પણ પડ્યું નથી. જેથી કેટલા પાકના બીજ નષ્ટ થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે, ત્યારે આ વર્ષ ભગવાન પર આશા બાંધીને બેઠેલા ખેડૂતોની માથે હાલ તો ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. છેલ્લા બે વર્ષથી જિલ્લામાં વરસાદ ઓછો થવાથી જિલ્લાના જીવાદોરી સમાન ત્રણેય ડેમોમાં પાણીની મોટી સમસ્યા સર્જાઈ છે, ત્યારે આ વર્ષે વરસાદ નહીં થાય તો બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટ પણ સર્જાઈ શકે તેમ છે. હાલ તો ખેડૂતો ભગવાન પાસે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે કુદરત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સામે જોઈ વર્ષે તો ખેડૂતોએ જે મોટી આશા રાખી વાવેતર કર્યું છે તે સારી રીતે મેળવી શકે.
જિલ્લામાં વરસાદ વિના ખેડૂતો પરેશાન આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં એક તરફ ખેડૂતો કોરોના વાઇરસના કારણે લોકડાઉનમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તો બીજી તરફ વરસાદ ખેંચાતા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે, ત્યારે જો એક સપ્તાહમાં કુદરત મહેરબાન થાય અને વરસાદ થાય તો જ ખેડૂતો ચિંતા મુક્ત બની શકે તેમ છે.