- ડીસા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન અને સારવારના અભાવે પાંચથી વધુના મોત
- હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ કોઇ જ દરકાર લેવામાં આવતી ન હોવાનો આક્ષેપ
- ડીસા સિવિલ હોસ્પિટલમાં ફાળવવામાં આવેલા ઇન્જેક્શનની તપાસ કરવા માગ
- દર્દીઓના મોતના સમાચાર મળતા પરિવાર સિવિલ હોસ્પિલ પહોંચ્યો
- પરિવાર હંગામો ન મચાવે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
બનાસકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં હાલ કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે હાલમાં કોરોના દર્દીઓને સારવાર ન મળતાં મોત નિપજ્યા હોવાના સમાચાર સામે મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, બનાસકાંઠા જિલ્લામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ બન્યો છે અને સૌથી વધુ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે. વધતા જતા કોરોના વાઇરસના કેસને કારણે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. આ અછતના કારણે અત્યાર સુધી અનેક દર્દીઓના મોત પણ નિપજી ચૂક્યા છે. ડીસામાં પણ હવે કોરોના વાઇરસ બેકાબૂ થઈ ચૂક્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સતત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે એક બાદ એક કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે. ત્યારે આ બાબતે સરકાર ધ્યાન આપે તો હજુ પણ ઓક્સિજન સમયસર મળી રહે તો અનેક લોકોના મોત થતા અટકી શકે તેમ છે.
આ પણ વાંચોઃઓક્સિજન ન મળતા સિવિલ કેમ્પસમાં જ કોરોના સંક્રમિત મહિલાનું મોત
ડીસા શહેરની ખાનગી હોસ્પિટલ્સ તેમજ સરકારી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ રહી છે
બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીએ માઝા મૂકી છે, તેમજ દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ડીસા શહેરની ખાનગી હોસ્પિટલ્સ તેમજ સરકારી હોસ્પિટલ કોરોના પોઝિટિવ દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ ખાનગી અને સરકારી હોસ્પિટલ્સમાં સમયસર સારવાર, ઓક્સિજન તેમજ ઇન્જેક્શનના અભાવે અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. ડીસા શહેરમાં ચાર દિવસ અગાઉ જ એક જ દિવસે 5 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોરોના પોઝિટિવ વ્યક્તિઓ ઓક્સિજનનો અભાવ તેમજ સમયસર સારવાર અને આરોગ્ય તંત્ર દ્વારા દરકાર લેવામાં ન આવતા 7 લોકોના મોત નિપજયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અંગે મૃતક પરિવારને એક પછી એક જાણ થતાં ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળેટોળા ઉમટયા હતા. જોકે પરિવારના સભ્યો હોબાળો ન મચાવે તે માટે ડીસા શહેર પોલીસ મથકના PSI સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.