- હીનાનું વર્ધિ પહેરવાનું સ્વપ્ન થયું સાકાર
- અત્યંત સમાન્ય પરિવારની દીકરીએ દેશસેવામાં ઝંપલાવ્યું
- હિનાના પિતા પાલનપુરમાં હંગામી પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે
બનાસકાંઠા:અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતી હીનાનું બાળપણથી જ વર્દી પહેરવાનું સ્વપ્ન હતું, પરંતુ પિતા પાલનપુરમાં હંગામી પોસ્ટમેન તરીકે ફરજ બજાવતાં હોવાથી હીનાને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો. હીના ગત કેટલાય વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી, ત્યારે તાજેતરમાં જાહેર થયેલા BSF ફ્રન્ટલાઈન જવાનની ભરતી પરીક્ષામાં તેનું સિલેક્શન થતાં માતા -પિતાની ખુશીઓનો પાર નથી રહ્યો. હીનાની આ સફળતામાં તેની માતાનો પણ સિંહફાળો છે.
પોસ્ટમેનની દીકરી BSFમાં સિલેક્ટ થઈ મેળવી સફળતા મારા દીકરી દિકરાઓથી પણ સવાઈ છે-હીનાની માતા
હીનાની સફળતા માટે તેમની માતાએ પણ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. દીકરી હોવા છતાં તેને પુરુષ સમોવડી બનાવવા હીનાની માતાએ સંપૂર્ણ ફ્રીડમ આપ્યું હતું. શારીરિક તાલીમ માટે રાત્રે જીમ જવા માટે પણ માતા તેની સાથે આવતી હતી. આ પ્રસંગે હીનાની માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી મારા માટે દિકરાઓથી પણ સવાઈ છે.
સમાજ રૂઢિચૂસ્ત હોવા છતાં દીકરીનું સ્વપ્ન પૂર્ણ કરવા પૂરતો સહકાર આપ્યો-હિનાના પિતા
હીનાના પિતા અત્યંત સામાન્ય વ્યક્તિ છે. હંગામી પોસ્ટમેન તરીકે ફરજ બજાવીને પણ તેમણે પોતાના ત્રણેય સંતાનોને ભણાવવામાં કોઈ કચાશ રાખી નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારા સમાજમાં દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કે નોકરી નથી કરાવતા, પરંતુ મારી દીકરીને વર્ષોથી વર્દી પહેરવાનું સ્વપ્ન હોવાથી અમે તેને પૂરતો સહયોગ આપ્યો હતો.