બનાસકાંઠામાં કેનાલ તૂટવાની ઘટના કોઈ નવી ઘટના નથી. જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડયામાં આવે છે, ત્યારે-ત્યારે કેનાલમાં ગાબડું પડવાની ઘટના બને છે. આ સિલસિલો કેનાલ બની ત્યારથી જ અવિરતપણે ચાલુ છે. ગત એક અઠવાડિયામાં જ થરાદ અને વાવ વિસ્તારની કેનાલોમાં પાણી છોડતાની સાથે ગાબડું પડ્યું હતું. જેમાં, હજારો લિટર પાણી વેડફાઇ ગયું છે. કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી, ખેડૂતોએ કાળી મજૂરી કરી પકવેલા પાકમાં નુસકાન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
ગત એક અઠવાડિયામાં ઢીમાં, પ્રતાપપુરા, દૈયપ, કણોઠી અને આસપાસની કેનાલમાં 10 થી 100 ફૂટ જેટલા ગાબડા પડયા છે. જે કેનાલની બનાવટમાં હલકા પ્રકારનો માલ વપરાયાનો ઈસારો કરે છે. ગાબડું પડવા અંગે તંત્રને રજૂઆત કરવા છતાં, અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.