- બટેટાની નગરીમાં આજથી બટેટાનું વાવેતર કરાયું શરૂ
- ડીઝલ અને ખાતરનાં ભાવ ધટાડવા ખેડૂતોએ કરી માંગ
- સરકાર ખેડૂતોને બટેટાનાં ભાવમાં મદદ કરે તેવી કરી માંગ
ડીસા : બનાસકાંઠાનો ડીસા તાલુકો બટેટા નગરી તરીકે ખ્યાતી ધરાવે છે તેમજ ત્યાના ખેડૂતો બટેટાની ખેતી કરીને પગભર પણ થયા છે. ખેડૂતઓ જણાવી રહ્યાં છે કે, ત્રિસેક વર્ષ પહેલા બટેટાનાં જે ભાવ હતા તેજ ભાવ આજે પણ ખેડૂતોને મળી રહ્યા છે તેમજ તેની સામે કૃષિમાં દસ ગણો ખર્ચ વધી ગયો છે. ઉપરાંત પહેલા જે પાણી પચાસ ફૂટ પર હતું તે પાણી હવે સાતસો ફૂટ ઉંડા પહોંચી જતાં વીજળી ખર્ચ પણ વધી ગયો છે અને ઉંડાણથી આવતાં પાણી પણ ખેતી માટે હાનિકારક હોવાથી બટેટાની ખેતીમાં નુકશાન પણ થઇ રહ્યું છે. તેમજ બટેટાની ખેતીમાં સતત મંદિ હોવાનાં કારણે અનેક ખેડૂતો આત્મહત્યા તરફ પણ વળ્યા છે. ત્યારે આજે લાભ પાંચમથી ખેડૂતોએ બટેટાની વાવણી શરૂ કરી દીધી છે અને આ વર્ષે ખેડૂતોને સારા ભાવ મળી રહે તેવી ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે.
બટેટાનાં વાવેતરની શરૂઆત કરાઇ
છેલ્લા ઘણા વર્ષોથી બટેટાની ખેતીમાં ખર્ચ ખૂબ જ વધી ગયો છે અને તેની સામે બટેટાનાં ભાવો પણ ખૂબજ નીચા મળી રહ્યાં હોવાથી, ખેડૂતોને બટાટાની ખેતીમાં ફાયદો તો દૂરની વાત પરંતુ નુકશાન સહન કરવું પડી રહ્યું છે. ઓછા ભાવનાં કારણે ખેડૂતો દિવસેને દિવસે દેવાદાર બની રહ્યાં છે. ખેડૂતોએ બટેટાની ખેતીની શરૂઆત કરતાં પહેલા આધ્યાત્મિક માર્ગ અપનાવીને વાવેતર પહેલા જ બટેટાની અને ગણેશજીની શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા કરીને બટેટાનાં વાવેતરની શરૂઆત કરી છે. આ ઉપરાંત ખેડૂતો સરકાર સમક્ષ એ પણ વિનંતી કરી રહ્યા છે કે, વિવિધ કંપનીનાં ખાતરોનાં ભાવમાં પણ ઘટાડો કરે તેમજ સમયસર વીજળી આપે જેથી ખેડૂતો સરળતાથી વાવેતર કરી શકે અને કૃષિ ખર્ચમાં ઘટાડો થઈ શકે.