તાત્કાલિક સમસ્યા ઉકેલવાની માંગ ડીસા : ડીસા શહેરમાં હજુ પણ ભૂગર્ભ ગટરનું કામ 100 ટકા પૂર્ણ થયું નથી. અધૂરી કામગીરીના કારણે અનેક વિસ્તારોમાં લોકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ડીસામાં વાડીરોડ વિસ્તાર પાસે આવેલ બ્રાહ્મણવાસ વિસ્તારમાં પણ અધૂરી ભૂગર્ભ ગટર બનાવાઇ છે જેના કારણે આગળથી આવતું ગંદુ પાણી આ બ્રાહ્મણવાસ વિસ્તારમાં ભરાઈને ઉભરાતા સ્થાનિક લોકો દુર્ગંધથી પરેશાન થઈ ગયા છે.
વીજ ડીપી પાસે પાણી ભરાવાની સમસ્યા : વળી આ ગંદુ પાણી ઉભરાઈને વીજ ડીપી પાસે ભરાઈ રહેતા અવારનવાર વીજ કરંટની ઘટનાઓ પણ બને છે. અત્યાર સુધી ત્રણથી ચાર જેટલા પશુઓના આ વીજ ડીપી પાસે ભરાયેલ પાણીમાં કરંટ લાગતા મોત થયા છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે આજે સ્થાનિક લોકોએ ડીસા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું અને તેમની સમસ્યા તાત્કાલિક હલ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો Fire in disputed garden in Deesa : અઢી કરોડના વિવાદિત બગીચામાં આગ લાગી, ઘટાદાર વૃક્ષો ધરાવતો બગીચો રાખમાં ફેરવાયો
નગરસેવકોએ ન સાંભળી ફરિયાદ : નાગરિકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બ્રાહ્મણવાસ વિસ્તારમાં અધૂરી ભૂગર્ભ ગટરના કારણે ઠંડુ પાણી ભરાઈ રહેવાના કારણે છેલ્લા ઘણા સમયથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તે માટે સ્થાનિક નગરસેવકોને રજૂઆત પણ કરી હતી તેમ છતાં સ્થાનિકોની કોઈ જ વાત ધ્યાને ન લેતા આખરે લોકોએ ડીસા નગરપાલિકા કચેરીમાં આવી રજૂઆત કરવી પડી છે.
સ્થાનિકોની વેદના :સ્થાનિક મહિલા રમીલાબેન બ્રાહ્મણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં રોડ સારા નથી. અમારા રસ્તા ખાડા ખરબડીયાવાળા છે. અમારાં વિસ્તારમાં રિક્ષા આવે એવુ પણ નથી.. ડીપી છે ત્યાં પણ પાણી ભરાઈ જાય છે જેના કારણે અનેક વાર કરંટ લાગતાં અનેક વાર કૂતરાંઓના મોત થયા છે. તો ક્યારેક ક્યારેક ગાયોના પણ મોત થયા છે. જેથી અમને ડર લાગે છે કે ક્યારેક અમારા બાળકોને પણ કોઈ શોટ ન લાગે. જેથી હવે ચોમાસુ શરૂ થશે તો એની પહેલા નગરપાલિકા નિરાકરણ લાવે તેવી માગણી છે.
આ પણ વાંચો અતિભારે વરસાદથી સરકારી અનાજ ગોડાઉનમાં ફરી વળ્યા પાણી
આગ પણ લાગે છે : સ્થાનિક મહિલા મોરીબેને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારે મેઈન તકલીફ ડીપીની છે. અમારા વિસ્તારમાં ડીપીની તકલીફ હોવાને કારણે અનેક વાર આગ લાગે છે. ઘણીવાર અમારો વિસ્તાર નીચાણવાળો વિસ્તાર હોવાનાં કારણે પાણી ભરાય છે અને એકવાર અને શોટ સર્કિટ થાય છે. કેટલીક વાર વીજ કરંટ લાગતાં પશુઓના મોત થયાં છે. ત્યારે વીજ ડીપીની સમસ્યા તાકીદે ઉકેલાવી જોઇએ.
પાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરની પ્રતિક્રિયા : આ બાબતે નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કરને પૂછતા તેમણે કહ્યું હતું કે બે રોડ, ગટ,ર ગટરનું ડી.પી.આર કરીને પણ આપી દીધું છે, તે સાથે બાજુમાં આવેલું એક ગટર અને તેની દીવાલ એ પણ અમે અમારા આ ટેન્ડરમાં લઈ લીધું છે, એનું ટેન્ડર પણ આપી દીધું છે, એટલે એક બે દિવસમાં એનું કામ ચાલુ થઈ જશે, એ બાબતની એમને જાણ ન હતી. એટલા માટે તે લોકો અહીં આવ્યા અને અમારી વાત સાંભળી એટલે એમને સંતોષ થયો અને ટૂંક સમયમાં એમનું કામ પૂર્ણ કરવામાં આવશે.