બનાસકાંઠાઃ સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે, તે માટે ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે. પરંતુ એરંડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી નથી. જેથી એરંડાનું વાવેતર કરનારા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે બનાસકાંઠાના સાંસદની માગ
લોકડાઉન બાદ સૌથી કપરી પરિસ્થિતિ ખેડૂતોની છે. તેમાં પણ એરંડાનું વાવેતર કરનારા ખેડૂતોને ભાવ ન મળતા તેમની સ્થિતિ કફોડી બની છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મણે 500 રૂપિયા ઓછા મળતાં ખેડૂતો ત્રાહિમામ થયા છે. જે મામલે હવે બનાસકાંઠાના સાંસદે પરબત પટેલે ટેકાના ભાવે એરંડાની ખરીદી કરવા માટે માગ કરી છે.
લોકડાઉનના કારણે એરંડાના ભાવ તળીયે જતા એરંડા પકવતા ખેડૂતોની મોટી મુશ્કેલી સર્જાઈ છે. ગત વર્ષે એરંડાની પ્રતી મણ 1100થી 1200 રૂપિયા કિંમત મળતી હતી. જે આ વર્ષે 600થી 700 રૂપિયા જેટલી છે. જેથી ખેડૂતોને પ્રતિ મણે 500 રૂપિયા ભાવ ઓછા મળતા ખેડૂતો ચિંતિત છે.
રાજ્યમાં સૌથી વધુ એરંડાનું વાવેતર અને ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં અને તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ અને રજૂઆતને ધ્યાનમાં રાખી બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે કૃષિ પ્રધાનને પત્ર લખી ટેકાના ભાવે એરંડાની ખરીદી કરવા ઉગ્ર માગ કરી છે.